
સુરત, 26 સપ્ટેમ્બર (હિ.સ.): સુરતના સચીન વિસ્તારમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સાઈટ પરથી ઇલેક્ટ્રિસિટી લાઇનના કામ માટે રાખવામાં આવેલ ગેલ્વેનાઇઝ્ડ સ્ટીલ, કોપર વાયર અને કેન્ટીલીવર સહિત અંદાજે ₹7.80 લાખનો સામાન ચોરી થયો હતો. રાત્રિના સમયે ચોરીની આ ઘટના બન્યા બાદ સચીન પોલીસે તપાસ શરૂ કરી હતી.
તપાસ દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે સચીન-પારડીના અંબિકાનગર વિસ્તારમાં ભંગારનો વ્યવસાય કરતા કેટલાક લોકો પાસે ચોરીનો સામાન હોવાની શંકા છે. બાતમીના આધારે પોલીસે દરોડો પાડીને તપાસ કરતાં બુલેટ ટ્રેન સાઈટ પરથી ચોરાયેલો સામાન મળી આવ્યો હતો. પોલીસે કુલ ₹7,80,781નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
આ કેસમાં પોલીસે બબલુ ગપ્પુસિંહ નિશાદ (32), ભુપિ નિહાલસિંહ નિશાદ (30) અને અજીત લાખનસિંગ નિશાદ (26)ની ધરપકડ કરી છે. ત્રણેય અંબિકાનગરમાં ભાડાના મકાનમાં રહી ભંગારના વ્યવસાય સાથે સંકળાયેલા હોવાનું સામે આવ્યું છે. પોલીસે BNSની કલમ 303(2), 324(3) અને 54 હેઠળ કાર્યવાહી કરી વધુ તપાસ શરૂ કરી છે કે આરોપીઓ અગાઉ અન્ય સરકારી પ્રોજેક્ટમાંથી પણ ચોરીમાં સંડોવાયેલા હતા કે કેમ.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે