
સુરત, 26 સપ્ટેમ્બર (હિ.સ.): સુરતના પાંડેસરા વિસ્તારમાં તેરે નામ ચોકડી નજીક ટેમ્પો સાઇડમાં લેવા બાબતે થયેલા વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. 25 સપ્ટેમ્બરના રોજ માલસામાન ઉતારવા આવેલા ટેમ્પોચાલક અને તેના સાથી સાથે સ્થાનિક લોકોની બોલાચાલી થઈ હતી. ત્યારબાદ કેટલાક યુવાનો અને મહિલાઓએ બંને યુવકોને રસ્તા વચ્ચે લાકડાના દંડા અને પ્લાસ્ટિકની પાઇપથી માર માર્યો હતો.
ઘટનાનો વીડિયો સામે આવ્યો છે, જેમાં હુમલાખોરો બંને યુવકોને દોડાવી-દોડાવીને મારતા જોવા મળે છે. માર મારવાના કારણે બંને યુવકોમાંથી એક રસ્તા પર બેભાન થઈને પડી ગયો હતો, તેમ છતાં તેના પર પાઇપથી હુમલો કરવાનું ચાલુ રાખવામાં આવ્યું હતું. આસપાસ લોકોની ભીડ એકઠી થઈ હોવા છતાં ઘટનાસ્થળે લાંબા સમય સુધી કોઈએ હસ્તક્ષેપ કર્યો ન હોવાનું વીડિયોમાં જોવા મળે છે.
ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ પાંડેસરા પોલીસે તપાસ શરૂ કરી હતી. પોલીસે વીડિયો ફૂટેજના આધારે પાંચ શખ્સોની ઓળખ કરી તેમની અટકાયત કરી છે. પાંડેસરા પોલીસ સ્ટેશનના PI કે.ડી. જાડેજાના જણાવ્યા મુજબ, ઇજાગ્રસ્ત યુવકોનો સંપર્ક કરીને તેમની ફરિયાદ નોંધવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે