
ગુવાહાટી, નવી દિલ્હી, 27 સપ્ટેમ્બર (હિ.સ.). આસામ પોલીસે રવિવારે ગુવાહાટીમાં કોકરોચ જનતા પાર્ટી (સીજેપી) ના કો-કન્વીનર આશુતોષ રાંકા અને સંગઠનના અન્ય ઘણા નેતાઓ અને કાર્યકરોને અટકાયતમાં લીધા. આ કાર્યવાહી સંગઠનની પ્રથમ પ્રાદેશિક સ્વયંસેવક બેઠક આસામ સચિવાલય નજીક શરૂ થવાના બરાબર પહેલાં કરવામાં આવી હતી.
સીજેપીના નેતાઓએ જણાવ્યું કે, આશુતોષ રાંકા, અંકિત ભારદ્વાજ અને પ્રેમ આકાશ સહિત સંગઠનના મોટા નેતાઓ અને આસામના સ્વયંસેવકોને પોલીસ અટકાયતમાં લઈને કોઈ જગ્યાએ લઈ ગઈ છે.
આરોપોમાં કહેવામાં આવ્યું છે કે, પોલીસે સવારથી જ કાર્યક્રમ સ્થળ સુધી જવાનો રસ્તો રોકી દીધો હતો, જેના કારણે સ્વયંસેવકો ટેકરી પર બનેલી મીટિંગની જગ્યા સુધી પહોંચી શક્યા ન હતા. સંગઠને દાવો કર્યો છે કે સમગ્ર વિસ્તારમાંથી લગભગ 200-300 સ્વયંસેવકોને એકસાથે લાવવાની યોજના બનાવવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, ધારાસભ્ય અખિલ ગોગોઈના નેતૃત્વ હેઠળના 'રાઈઝર દળ' ના નેતાઓની ગુવાહાટીમાં રાંકા સહિત સીજેપીના અન્ય નેતાઓ સાથે શનિવારે એક બેઠક થઈ હતી. બેઠકમાં ઘણા મુદ્દાઓ પર ચર્ચા થઈ, જેમાં આસામમાં તાજેતરના પૂર અને રાજ્યમાં પોતાની ગતિવિધિઓ વધારવાની સીજેપીની યોજનાઓ શામેલ હતી.
અટકાયતમાં લેવાયા દરમિયાન પત્રકારો સાથે વાત કરતા રાંકાએ આરોપ લગાવ્યો કે, આસામના મુખ્યમંત્રી ડો. હિમંત બિસ્વ સરમાને આ વાતની ચિંતા હતી કે શાળાઓ પર તેમની ટીમનું કેમ્પેન રાજ્યમાં શાળાઓની હાલત તરફ લોકોનું ધ્યાન ખેંચશે.
હિન્દુસ્થાન સમાચાર / અરવિંદ રાય / અમરેશ દ્વિવેદી
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ