
ભાવનગર, 27 સપ્ટેમ્બર (હિ.સ.)સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત તળાજા તાલુકાના પાવઠી ગામની આંગણવાડી કેન્દ્ર ખાતે ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણના અધ્યક્ષસ્થાને ‘આંગણ મિલન સેવા’ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં મહિલાઓ, કિશોરીઓ, બાળકો અને વાલીઓને પોષણ તથા સ્વસ્થ જીવનશૈલી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણે, મહિલાઓ અને કિશોરીઓના સ્વાસ્થ્ય તેમજ બાળકોના તંદુરસ્ત વિકાસ માટે પૌષ્ટિક આહારના મહત્વ અંગે સમજ આપી હતી. તેમણે બાળકો અને માતાઓને યોગ્ય પોષણ મળે તે માટે આંગણવાડી મારફતે મળતા ટેક-હોમ રાશનના પેકેટનો યોગ્ય ઉપયોગ કરવા અને તેના પોષણલક્ષી લાભ મેળવવા અંગે પણ માર્ગદર્શન આપ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન બાળકોને ફળ અને સુખડીનું વિતરણ કરવામાં આવ્યું હતું. આંગણવાડીમાં પોષણલક્ષી કામગીરી અને સ્વાસ્થ્ય અંગે પ્રોત્સાહન મળે તે માટે ‘પોષણ ચેમ્પિયન’ બાળકને ભેટ આપી સન્માનિત કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત આંગણવાડી કાર્યકર, તેડાગર અને આશા બહેનોની સેવાભાવી કામગીરીને બિરદાવતાં પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું.
આંગણવાડી કેન્દ્રને કેન્દ્રમાં રાખીને યોજાયેલી આ સેવા પ્રવૃત્તિમાં બાળકોના પોષણ, મહિલાઓના સ્વાસ્થ્ય અને પરિવારની સ્વસ્થ જીવનશૈલી અંગે જાગૃતિનો સંદેશ આપવામાં આવ્યો હતો.
કાર્યક્રમમાં ગામના સરપંચ હિંમતભાઈ બારૈયા, ગ્રામ પંચાયતના સભ્યો, સી.ડી.પી.ઓ., સ્થાનિક આરોગ્ય વિભાગના કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં વાલીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA