
ભાવનગર, 27 સપ્ટેમ્બર (હિ.સ.)સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત પાલિતાણા તાલુકાના મોખડકા ખાતે કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણીયાના અધ્યક્ષસ્થાને ‘આંગણ મિલન સેવા’ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન મહિલા અને બાળ કલ્યાણ વિભાગ દ્વારા અમલમાં મૂકવામાં આવતી વિવિધ લોકકલ્યાણકારી યોજનાઓ અંગે ઉપસ્થિતોને માહિતી આપવામાં આવી હતી.
કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણીયાએ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ અમલમાં રહેલી વિવિધ જનકલ્યાણલક્ષી યોજનાઓની માહિતી આપતાં જણાવ્યું હતું કે, સરકારની લોકઉપયોગી યોજનાઓનો લાભ મેળવી દરેક પરિવાર વિકાસની મુખ્યધારામાં જોડાય તે માટે સૌએ જાગૃત બનવું જરૂરી છે. તેમણે પાત્ર લાભાર્થીઓને સરકારની વિવિધ યોજનાઓનો મહત્તમ લાભ લેવા અનુરોધ કર્યો હતો.
કાર્યક્રમ દરમિયાન આંગણવાડી કાર્યકરો, આંગણવાડી હેલ્પર અને આશા વર્કર બહેનોનું સન્માન કરવામાં આવ્યું હતું. ઉપરાંત ઉપસ્થિત બાળકોને ફળનું વિતરણ કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમના આયોજન અને સંચાલનમાં આઈ.સી.ડી.એસ. વિભાગ, ભાવનગર તથા આઈ.સી.ડી.એસ. વિભાગ, પાલિતાણા દ્વારા કામગીરી કરવામાં આવી હતી.
આ પ્રસંગે ધારાસભ્ય ભીખાભાઈ બારૈયા, જિલ્લા પંચાયત સદસ્ય શીવાભાઈ ચૌહાણ, પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ સરવૈયા, ભરતભાઈ મેર, ગોપાલભાઈ વાઘેલા, રાજેશભાઈ ફાળકી, મોખડકાના સરપંચ નરસિંહભાઈ પરમાર, ઉપસરપંચ મધુબેન ભાયાણી, પ્રોગ્રામ ઑફિસર શિલ્પાબેન ડામોર, સી.ડી.પી.ઓ. કલ્પનાબેન ચૌહાણ, સી.ડી.પી.ઓ. અલ્પાબેન મકવાણા સહિત આગેવાનો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA