
ભાવનગર 27 સપ્ટેમ્બર (હિ.સ.) પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળના મંડળ રેલ પ્રબંધક (ડી.આર.એમ.) દિનેશ વર્માએ તા. 26 સપ્ટેમ્બર, 2026ના રોજ વેરાવળ રનિંગ રૂમ અને વેરાવળ રેલવે સ્ટેશનનું નિરીક્ષણ કર્યું. નિરીક્ષણનો હેતુ રેલ પરિચાલન સાથે જોડાયેલા કર્મચારીઓ માટે ઉપલબ્ધ સુવિધાઓની સમીક્ષા કરવાની સાથે સાથે નિર્માણાધીન નવા રનિંગ રૂમના કામની ગુણવત્તા અને પ્રગતિની સમીક્ષા કરવાનો હતો.
નિરીક્ષણ દરમિયાન ડી.આર.એમ. વર્માએ લોકો પાયલટ, સહાયક લોકો પાયલટ તથા ટ્રેન મેનેજર માટે ઉપલબ્ધ વિશ્રામ અને રોકાણની સુવિધાઓનું વિગતવાર નિરીક્ષણ કર્યું. તેમણે કર્મચારીઓને ફરજ બાદ પૂરતી અને આરામદાયક વિશ્રામ સુવિધા ઉપલબ્ધ કરાવવા તેમજ રનિંગ રૂમમાં સ્વચ્છતા, જાળવણી, પીવાનું પાણી, પ્રકાશ, ભોજન તથા અન્ય જરૂરી વ્યવસ્થાઓને વધુ સારી રીતે જાળવવા પર વિશેષ ભાર મૂક્યો.
ડી.આર.એમ.એ નિર્માણાધીન નવા રનિંગ રૂમનું પણ નિરીક્ષણ કર્યું તથા બાંધકામમાં ઉપયોગમાં લેવાતી સામગ્રી, કામની ગુણવત્તા અને વિવિધ સુવિધાઓની જોગવાઈની સમીક્ષા કરી. તેમણે સંબંધિત અધિકારીઓને નિર્ધારિત ધોરણો અનુસાર ઉચ્ચ ગુણવત્તા સાથે બાંધકામ કાર્ય પૂર્ણ કરવા તેમજ કર્મચારીઓની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને સુવિધાઓ વિકસાવવા સૂચના આપી.
વેરાવળ સ્ટેશનના નિરીક્ષણ દરમિયાન ડી.આર.એમ.એ સ્ટેશન પરિસર તથા મુસાફર સુવિધાઓને લગતી વિવિધ વ્યવસ્થાઓની પણ સમીક્ષા કરી. તેમણે મુસાફરોને વધુ સારી, સુરક્ષિત અને સુવિધાજનક મુસાફરીનો અનુભવ મળે તે માટે જરૂરી વ્યવસ્થાઓને અસરકારક રીતે જાળવી રાખવા પર ભાર મૂક્યો.
ડી.આર.એમ.એ જણાવ્યું કે રેલવે કર્મચારીઓનું સારું સ્વાસ્થ્ય, પૂરતો વિશ્રામ અને કલ્યાણ સુરક્ષિત તથા સુચારુ રેલ પરિચાલનના મહત્વપૂર્ણ આધાર સ્તંભો છે. આ દિશામાં ભાવનગર મંડળ દ્વારા કર્મચારી સુવિધાઓ તથા મુસાફર સેવાઓને સતત વધુ સારી બનાવવા માટે પ્રાથમિકતાના ધોરણે કામગીરી કરવામાં આવી રહી છે.
નિરીક્ષણ દરમિયાન મંડળના વિવિધ શાખા અધિકારીઓ, સંબંધિત વિભાગોના અધિકારીઓ તથા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ