સીબીઆઈ એ, ગુજરાતના 11.42 કરોડ રૂપિયાના ડિજિટલ અરેસ્ટ કેસમાં વધુ બે આરોપીઓની ધરપકડ કરી
નવી દિલ્હી, 27 સપ્ટેમ્બર (હિ.સ.). કેન્દ્રીય તપાસ બ્યુરો (સીબીઆઈ) એ, ગુજરાતના 11.42 કરોડ રૂપિયાના ડિજિટલ અરેસ્ટ કેસમાં વધુ બે આરોપીઓ હિમાંશુ પ્રસાદ અને યુનિસ બિસ્વાસની ધરપકડ કરી છે. સીબીઆઈએ ઓપરેશન ચક્ર-6 હેઠળ દેશના 10 રાજ્યોમાં 22 સ્થળોએ એકસાથે તલાશ
સીબીઆઈ


નવી દિલ્હી, 27 સપ્ટેમ્બર (હિ.સ.). કેન્દ્રીય તપાસ બ્યુરો (સીબીઆઈ) એ, ગુજરાતના 11.42 કરોડ રૂપિયાના ડિજિટલ અરેસ્ટ કેસમાં વધુ બે આરોપીઓ હિમાંશુ પ્રસાદ અને યુનિસ બિસ્વાસની ધરપકડ કરી છે. સીબીઆઈએ ઓપરેશન ચક્ર-6 હેઠળ દેશના 10 રાજ્યોમાં 22 સ્થળોએ એકસાથે તલાશી પણ લીધી. તપાસ એજન્સી અનુસાર, બંને આરોપીઓએ છેતરપિંડીની રકમ મેળવવા, અલગ-અલગ ખાતાઓમાં મોકલવા અને મની ટ્રેલ છુપાવવામાં ભૂમિકા ભજવી હતી.

સીબીઆઈ અનુસાર, આ કેસમાં પીડિતને સાયબર ગુનેગારોએ પોલીસ અને ભારતીય દૂરસંચાર નિયામક પ્રાધિકરણ (ટ્રાઈ) ના અધિકારીઓ તરીકે ઓળખ આપીને લગભગ ત્રણ મહિના સુધી ડિજિટલ અરેસ્ટમાં રાખ્યો હતો. આ દરમિયાન તેને ડરાવીને 11.42 કરોડ રૂપિયા સિન્ડિકેટના નિયંત્રણ હેઠળના બેંક ખાતાઓમાં ટ્રાન્સફર કરાવવામાં આવ્યા હતા.

તપાસ દરમિયાન નાણાકીય વ્યવહારો અને તકનીકી વિશ્લેષણના આધારે તલાશીની કાર્યવાહી કરવામાં આવી. 10 રાજ્યોમાં 22 સ્થળોએ કરવામાં આવેલી તલાશીમાં બેંકિંગ દસ્તાવેજો, ખાતાઓ સંબંધિત રેકોર્ડ, ડિજિટલ ઉપકરણો અને અન્ય મહત્વપૂર્ણ પુરાવાઓ જપ્ત કરવામાં આવ્યા છે. સીબીઆઈ આ ઉપકરણો અને દસ્તાવેજોની ફોરેન્સિક તપાસ કરી રહી છે.

સીબીઆઈ મુજબ, તલાશી દરમિયાન હિમાંશુ પ્રસાદ અને યુનિસ બિસ્વાસની ભૂમિકા સામે આવી. તપાસમાં જાણવા મળ્યું કે, બંનેએ મેસર્સ હેક્સાક્વેસ્ટ ગ્લોબલ પ્રાઇવેટ લિમિટેડના બેંક ખાતાનો ઉપયોગ કરીને છેતરપિંડીની રકમમાંથી 2.5 કરોડ રૂપિયા મેળવ્યા. ત્યારબાદ આ રકમને સહયોગીઓના ઘણા બેંક ખાતાઓમાં મોકલવામાં આવી, જેથી પૈસાના વાસ્તવિક સ્ત્રોત અને વ્યવહારની કડીને છુપાવી શકાય.

તપાસ એજન્સી અનુસાર, બંને આરોપીઓ ડિજિટલ અરેસ્ટ અને અન્ય સાયબર અપરાધોથી મેળવેલી રકમને કાઢવા માટે બેંક ખાતાઓ અને એપીકે ફાઇલોના ઉપયોગમાં પણ કથિત રીતે સામેલ હતા. તલાશી દરમિયાન જપ્ત કરાયેલા ડિજિટલ ઉપકરણોમાંથી ઘણા વાંધાજનક ચેટ, સંદેશાઓ અને દસ્તાવેજો પણ મળ્યા છે. સીબીઆઈ હવે નેટવર્ક સાથે સંકળાયેલા અન્ય લોકોની ઓળખ અને ધરપકડના પ્રયાસો કરી રહી છે.

સીબીઆઈએ જણાવ્યું કે, ઓપરેશન ચક્ર-6 હેઠળ ડિજિટલ અરેસ્ટ સંબંધિત ઘણા કેસોની તપાસ વિવિધ રાજ્યોમાંથી પોતાના હાથમાં લેવામાં આવી છે. આ કેસોમાં સાયબર ગુનેગારોએ કાયદા અમલીકરણ અને સરકારી અધિકારીઓનો વેશ ધારણ કરીને પીડિતોને ડિજિટલ રીતે અટકાયતમાં રાખવા અને તેમની પાસેથી મોટી રકમ ટ્રાન્સફર કરાવવાનો રસ્તો અપનાવ્યો હતો.

સીબીઆઈ અનુસાર, છેલ્લા 30 દિવસમાં આવા ચાર કેસોમાં 22 રાજ્યોના 142 સ્થળોએ સંકલિત તલાશી કરવામાં આવી છે. આ દરમિયાન 17 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તપાસનો ઉદ્દેશ્ય છેતરપિંડીની રકમ શોધી કાઢવાની સાથે સિન્ડિકેટના સંચાલકો, લાભાર્થીઓ અને અન્ય સહયોગીઓની ઓળખ કરવાનો છે.

ઉલ્લેખનીય છે કે, સીબીઆઈએ લોકોને ચેતવણી આપી છે કે કોઈ પણ પોલીસ, સીબીઆઈ કે અન્ય સરકારી એજન્સી કોઈ વ્યક્તિને ‘ડિજિટલ અરેસ્ટ’ કરતી નથી અને ન તો ફોન કે વીડિયો કોલ દ્વારા પૈસાની માંગણી કરે છે. આવા કોલ આવવા પર તરત જ સંપર્ક કાપીને રાષ્ટ્રીય સાયબર અપરાધ હેલ્પલાઇન 1930 અથવા સાયબર અપરાધ પોર્ટલ પર ફરિયાદ કરવાની સલાહ આપવામાં આવી છે.

સીબીઆઈએ કહ્યું કે, ડિજિટલ અરેસ્ટ અને સંગઠિત સાયબર અપરાધ સંબંધિત કેસોમાં કાર્યવાહી ચાલુ રહેશે. આ કેસોમાં આગળની તપાસ ચાલુ છે.

હિન્દુસ્થાન સમાચાર / પ્રશાંત શેખર / સંજીવ પાશ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande