
નવી દિલ્હી, 27 સપ્ટેમ્બર (હિ.સ.). પ્રવર્તન નિર્દેશાલય (ઇડી) એ, રમ્મીકલ્ચર એપ અને તેનાથી સંબંધિત કેસમાં મની લોન્ડરિંગ નિવારણ અધિનિયમ (પીએમએલએ), 2002 હેઠળ આશરે 442.35 કરોડ રૂપિયાની જંગમ અને સ્થાવર સંપત્તિઓ અસ્થાયી રૂપે જપ્ત કરી છે. આમાં ફિક્સ્ડ ડિપોઝિટમાં જમા રકમ, વ્યાપારી દુકાનો, એક વિલા અને અનેક રહેણાંક સંપત્તિઓનો સમાવેશ થાય છે. ઇડી અનુસાર, આ સંપત્તિઓ ગેમ્સક્રાફ્ટ ટેકનોલોજીસ પ્રાઇવેટ લિમિટેડના શેરધારકોના પરિવારના સભ્યો, ખાનગી પારિવારિક ટ્રસ્ટ અને વિવિધ સંલગ્ન સંસ્થાઓના નામે છે.
ઇડીના બેંગલુરુ ઝોનલ કાર્યાલયે 25 સપ્ટેમ્બરના રોજ પીએમએલએની કલમ 5(1) હેઠળ અસ્થાયી જપ્તી આદેશ નંબર 40/2026 જારી કર્યો. ઇડીએ તેલંગાણામાં કાયદા અમલીકરણ એજન્સી વતી ભારતીય ન્યાય સંહિતા, 2023 હેઠળ છેતરપિંડીના આરોપોમાં નોંધાયેલી અનેક એફઆઈઆરના આધારે પીએમએલએ હેઠળ તપાસ શરૂ કરી હતી. આ ગુનાઓ પીએમએલએ હેઠળ અનુસૂચિત ગુનાઓ છે.
ઇડીએ આ પહેલા 7 થી 14 મે 2026 અને 20 થી 21 જૂન 2026 દરમિયાન પીએમએલએની કલમ 17 હેઠળ ગેમ્સક્રાફ્ટ ટેકનોલોજીસ પ્રાઇવેટ લિમિટેડની ઓફિસ અને તેના ડિરેક્ટરો તથા મુખ્ય કર્મચારીઓના રહેણાંક પરિસરો પર તલાશી અને જપ્તીની કાર્યવાહી કરી હતી. આ દરમિયાન અનેક વાંધાજનક દસ્તાવેજો, ડિજિટલ ઉપકરણો અને ઇલેક્ટ્રોનિક રેકોર્ડ જપ્ત કરવામાં આવ્યા હતા. ઇડી અનુસાર, આ તપાસમાં મહત્વપૂર્ણ પુરાવા બન્યા.
તપાસમાં અત્યાર સુધી સામે આવ્યું કે, ગેમ્સક્રાફ્ટ ટેકનોલોજીસ પ્રાઇવેટ લિમિટેડ અને રમ્મીટાઇમ ટેકનોલોજીસ પ્રાઇવેટ લિમિટેડ મોબાઇલ એપ દ્વારા ઓનલાઈન રિયલ મની ગેમ્સ (આરએમજી), ખાસ કરીને ઓનલાઈન રમ્મી ગેમ અને ટુર્નામેન્ટ ચલાવી રહી હતી. આ પ્રવૃત્તિઓ રમ્મીકલ્ચર, રમ્મીપ્રાઇમ, પ્લેશિપ અને રમ્મીટાઇમ સહિત વિવિધ બ્રાન્ડ્સ દ્વારા સંચાલિત કરવામાં આવી રહી હતી. ઇડી અનુસાર, આ પ્લેટફોર્મ્સનો દેશભરમાં આશરે ત્રણ કરોડ વપરાશકર્તા આધાર હતો.
ઇડીની તપાસ અનુસાર, મોટી સંખ્યામાં વપરાશકર્તાઓ એવા રાજ્યોમાં પણ હતા, જ્યાં ઓનલાઈન રિયલ મની ગેમિંગ પર પ્રતિબંધ છે. આમાં તેલંગાણા, આંધ્ર પ્રદેશ અને તમિલનાડુનો સમાવેશ થાય છે. કંપનીઓ વપરાશકર્તાઓ દ્વારા જમા કરવામાં આવેલી દાવ અથવા સટ્ટાબાજીની રકમ પર 10 થી 15 ટકા સુધી પ્લેટફોર્મ કમિશન લઈને પર્યાપ્ત આવક મેળવી રહી હતી.
તપાસમાં એ પણ સામે આવ્યું કે, કંપનીઓ વપરાશકર્તાઓને ગેમિંગ પ્લેટફોર્મને પારદર્શક, નિષ્પક્ષ અને સ્વચાલિત ખેલાડીઓ, એટલે કે બોટથી મુક્ત જણાવતી હતી. ઇડી અનુસાર, આ છતાં કંપનીઓએ વપરાશકર્તાઓની જાણકારી કે સંમતિ વિના તેમની વિરુદ્ધ બોટ, એટલે કે સ્વચાલિત કાર્યક્રમો અને અલ્ગોરિધમનો ઉપયોગ કર્યો. આનાથી વપરાશકર્તાઓને ઘણું નાણાકીય નુકસાન થયું અને કંપનીઓ માટે ગુનામાંથી મેળવેલી આવક પેદા થઈ.
ઇડી અનુસાર, કંપનીઓએ નવા વપરાશકર્તાઓને જોડવા અને જૂના વપરાશકર્તાઓને જાળવી રાખવા માટે ભ્રામક અને વ્યસનકારક વ્યૂહરચનાઓ પણ અપનાવી. નવા વપરાશકર્તાઓને બોનસ, રેફરલ પ્રોત્સાહન, મફત ટુર્નામેન્ટમાં પ્રવેશ અને પ્રચારાત્મક પુરસ્કારો દ્વારા સતત ગેમ રમવા તથા વધુ રકમ જમા કરવા માટે પ્રેરિત કરવામાં આવ્યા. કંપનીઓએ નવા વપરાશકર્તાઓ મેળવવા માટે, માર્કેટિંગ અને પ્રચાર અભિયાનો પર આશરે 1,035 કરોડ રૂપિયા ખર્ચ કર્યા.
તપાસ અનુસાર, કેટલાક કિસ્સાઓમાં ઉપાડ પર પાંચ થી 10 ટકા સુધી શુલ્ક લગાવવામાં આવ્યો. આ ઉપરાંત, ‘સુપર બૂસ્ટર’ ઓફર દ્વારા વપરાશકર્તાઓને ઉપાડી શકાય તેવી રકમને બિન-ઉપાડી શકાય તેવી ‘ગેમ કેશ’માં બદલવા માટે પણ પ્રેરિત કરવામાં આવ્યા.
ઇડીએ આરોપ લગાવ્યો કે, ભારે નાણાકીય નુકસાન પછી ગેમ રમવાનું બંધ કરી ચૂકેલા નિષ્ક્રિય વપરાશકર્તાઓને પણ ફરીથી ગેમ રમવા માટે લક્ષિત કરવામાં આવ્યા. આ માટે તાત્કાલિક રોકડ ક્રેડિટ, પ્રચારાત્મક ઓફર, પુશ નોટિફિકેશન, એસએમએસ અભિયાન અને ટેલિમાર્કેટિંગ કોલનો ઉપયોગ કરવામાં આવ્યો. ઇડી અનુસાર, આ પ્રવૃત્તિઓથી એવું ગેમિંગ વાતાવરણ બન્યું, જેમાં વારંવાર દાવ લગાવવાને પ્રોત્સાહન મળ્યું અને કંપનીઓને પ્લેટફોર્મ કમિશનના રૂપમાં મોટી માત્રામાં ગુનામાંથી મેળવેલી આવક થઈ.
તપાસમાં એ પણ સામે આવ્યું કે, આ પ્રવૃત્તિઓથી મેળવેલી ગુનાની આવકને પાછળથી શેરધારકોને ડિવિડન્ડ અને શેરોની બાય-બેક દ્વારા લેયર અને એકીકૃત કરવામાં આવી. આ પછી આ રકમને મ્યુચ્યુઅલ ફંડ, બોન્ડ, કન્વર્ટિબલ નોટ્સ, ઇક્વિટી શેર, જંગમ સંપત્તિઓ અને મોંઘી સ્થાવર સંપત્તિઓમાં રોકાણના રૂપમાં છુપાવવામાં આવી. આમાં પારિવારિક ટ્રસ્ટ અને સંલગ્ન સંસ્થાઓ દ્વારા રાખવામાં આવેલી સંપત્તિઓ પણ સામેલ હતી. ઇડી અનુસાર, આ રીતે આ સંપત્તિઓને નિર્દોષ સંપત્તિ તરીકે રજૂ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો.
ઇડી અનુસાર, આ પહેલા તલાશી દરમિયાન પીએમએલએની કલમ 17(1એ) હેઠળ આશરે 495 કરોડ રૂપિયાની જંગમ સંપત્તિઓ ફ્રીઝ કરવામાં આવી હતી. આ ઉપરાંત, 11 લાખ રૂપિયા રોકડા અને આશરે 2.30 કિલોગ્રામ વજનના સોના-હીરાના આભૂષણો તથા બુલિયન જપ્ત કરવામાં આવ્યા હતા. આ પહેલા આશરે 1,906 કરોડ રૂપિયાની સંપત્તિઓને અસ્થાયી રૂપે જપ્ત કરવાનો આદેશ પણ જારી કરવામાં આવ્યો હતો.
ઇડી મુજબ, તપાસ દરમિયાન અત્યાર સુધીમાં જપ્ત, ફ્રીઝ અને જપ્ત કરવામાં આવેલી ગુનામાંથી મેળવેલી આવકની કુલ કિંમત આશરે 2,843 કરોડ રૂપિયા થઈ ગઈ છે. કેસમાં આગળની તપાસ ચાલુ છે.
હિન્દુસ્થાન સમાચાર / પ્રશાંત શેખર / સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ