


ન્યૂયોર્ક, નવી દિલ્હી, 27 સપ્ટેમ્બર (હિ.સ.). ભારતીય વિદેશમંત્રી એસ. જયશંકરે શનિવારે (સ્થાનિક સમય મુજબ) 81મી સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (યુએનજીએ) દરમિયાન કેનેડા, મેક્સિકો અને વેનેઝુએલાના તેમના સમકક્ષો સાથે અલગ-અલગ મુલાકાત કરીને બેઠક કરી. જયશંકરે 'એક્સ' પોસ્ટમાં આ માહિતી ચિત્રો સાથે શેર કરી.
ભારતના વિદેશમંત્રી જયશંકરે જણાવ્યું કે, તેમણે કેનેડાના વિદેશમંત્રી અનિતા આનંદ સાથે મુલાકાત કરી અને તેમની સાથે સાર્થક ચર્ચા કરી. બંને પક્ષો તેમના સંબંધોને એક ઉચ્ચ સ્તરે લઈ જવા માટે તૈયાર છે. જયશંકરે મેક્સિકોના વિદેશમંત્રી રોબર્ટો વેલાસ્કો અલ્વારેઝ સાથેની તેમની બેઠકની માહિતી પણ શેર કરી.
તેમણે કહ્યું કે, સંયુક્ત રાષ્ટ્ર મુખ્યાલયમાં વેનેઝુએલાના વિદેશમંત્રી ફેલિક્સ પ્લાસેન્સિયા ગોન્ઝાલેઝ સાથે તેમની સારી બેઠક થઈ. બંને દેશો વચ્ચે ઊર્જા સંબંધો ઝડપથી આગળ વધી રહ્યા છે. જયશંકરે કહ્યું કે, દ્વિપક્ષીય સહયોગના અન્ય ક્ષેત્રો ઉપરાંત, આપણા ઊર્જા સંબંધો પણ ઝડપથી આગળ વધી રહ્યા છે. અમે વર્તમાન પ્રાદેશિક મુદ્દાઓ પર પણ ચર્ચા કરી.
જયશંકરે આ પહેલા 81મી સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને સંબોધિત કરી. તેમણે કહ્યું કે, ભારત આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ)ને ગ્લોબલ સાઉથ સાથે તેની ભાગીદારીના એજન્ડાનો એક મહત્વપૂર્ણ ભાગ માને છે. એઆઈ માનવ સશક્તિકરણ, આર્થિક સમૃદ્ધિ અને વસ્તી સંબંધિત સમસ્યાઓ હલ કરવા માટે એક પરિવર્તનકારી પરિબળ છે. તેમણે ટેકનોલોજીના લોકશાહીકરણ અને સાંસ્કૃતિક સમજણની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો.
હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ