




કચ્છ, 27 સપ્ટેમ્બર (હિ.સ.) : ગાંધીધામમાં આયોજિત સેવા સેતુ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નાગરિકો વચ્ચે પહોંચી સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓની કામગીરીનો જાતે જ તાગ મેળવ્યો હતો. સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા આયોજિત ૧૨મા તબક્કાના પ્રથમ સેવા સેતુ કાર્યક્રમમાં મુખ્યમંત્રીની ઉપસ્થિતિ દરમિયાન મોટી સંખ્યામાં નાગરિકોએ વિવિધ સરકારી સેવાઓનો લાભ લીધો હતો.
કાર્યક્રમનો મુખ્ય હેતુ સરકારી યોજનાઓ અને સેવાઓ માટે લોકોને કચેરીઓના ધક્કા ન ખાવા પડે અને તેમની અરજીઓ તથા પ્રશ્નોનું શક્ય તેટલું સ્થળ પર જ નિરાકરણ આવે તે રહ્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કાર્યક્રમમાં વિવિધ વિભાગો દ્વારા ઉભા કરવામાં આવેલા સ્ટોલની મુલાકાત લઈને અધિકારીઓ પાસેથી કામગીરીની માહિતી મેળવી હતી. સાથે જ તેમણે લાભાર્થીઓ સાથે સીધો સંવાદ કરી યોજનાઓનો લાભ મેળવવામાં તેમને પડતી મુશ્કેલીઓ અને મળતી સુવિધાઓ અંગે જાણકારી મેળવી હતી.
મુખ્યમંત્રીના હસ્તે વિવિધ લાભાર્થીઓને પ્રધાનમંત્રી આવાસ યોજના, પીએમ સ્વનિધિ યોજના, ફ્રી શિપ કાર્ડ, આયુષ્માન ભારત સહિતની યોજનાઓ અંતર્ગત મંજૂરીપત્રો, પ્રમાણપત્રો અને સહાયના હુકમોનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત શ્રી રામકૃષ્ણ સેવા ટ્રસ્ટના સહયોગથી દિવ્યાંગ લાભાર્થીઓને જરૂરી સાધન સહાય પણ અર્પણ કરવામાં આવી હતી.
લાભાર્થીઓ સાથેના સંવાદ દરમિયાન મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે સરકાર સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણના અભિગમ સાથે કામ કરી રહી છે. સેવા સેતુ જેવા કાર્યક્રમો મારફતે સરકાર લોકો સુધી પહોંચી રહી છે અને અંતિમ વ્યક્તિ સુધી સરકારી યોજનાનો લાભ પહોંચે તે દિશામાં સતત પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.
ગાંધીધામના સેવા સેતુમાં આવકના દાખલા, જાતિના દાખલા, આધાર કાર્ડમાં સુધારા, રેશનકાર્ડ, આયુષ્માન કાર્ડ, વિધવા સહાય અને વૃદ્ધ સહાય સહિત ૫૬થી વધુ સેવાઓ એક જ સ્થળે ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. જેના કારણે નાગરિકોને વિવિધ સરકારી કચેરીઓમાં જવાની જરૂરિયાત ઘટી હતી અને અનેક અરજીઓનો સ્થળ પર જ નિકાલ કરવામાં આવ્યો હતો.
કાર્યક્રમમાં રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયા, રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગા, સાંસદ વિનોદભાઈ ચાવડા, જિલ્લા પંચાયત પ્રમુખ પ્રભાબેન હુણ, ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી સહિતના પદાધિકારીઓ, કલેક્ટર અનિલ રાણાવસિયા, જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ, ગાંધીધામ મ્યુનિસિપલ કમિશનર બી.ડી. ડાવેરા સહિત અધિકારીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar