


કચ્છ, 27 સપ્ટેમ્બર (હિ.સ.) : ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા આયોજિત ૧૨મા તબક્કાના સેવાસેતુ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉપસ્થિત રહી વિવિધ સેવાઓ અને યોજનાઓની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. નાગરિકોને સરકારી કચેરીઓના ધક્કા ઓછા પડે અને વિવિધ સરકારી સેવાઓ તથા કલ્યાણકારી યોજનાઓનો લાભ સ્થાનિક સ્તરે સરળતાથી મળી રહે તે હેતુથી આયોજિત આ કાર્યક્રમમાં વિવિધ વિભાગો દ્વારા સ્ટોલ ઊભા કરવામાં આવ્યા હતા.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સેવાસેતુ કાર્યક્રમ દરમિયાન વિવિધ વિભાગોના સ્ટોલની મુલાકાત લઈને નાગરિકો માટે ઉપલબ્ધ કરાવવામાં આવતી સેવાઓ અંગે માહિતી મેળવી હતી. આ દરમિયાન સંકલિત બાળ વિકાસ સેવા એટલે કે ICDS વિભાગના સ્ટોલની પણ મુલાકાત લેવામાં આવી હતી. વિભાગના પ્રતિનિધિઓ સાથે ચર્ચા કરીને મહિલાઓ, બાળકો તેમજ અન્ય લાભાર્થીઓ માટે અમલમાં રહેલી વિવિધ સેવાઓ અને પ્રવૃત્તિઓ અંગે વિગતો જાણવામાં આવી હતી.
ICDS વિભાગ દ્વારા સેવાસેતુના માધ્યમથી લોકોમાં વિવિધ કલ્યાણકારી યોજનાઓ અંગે જાગૃતિ લાવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. ખાસ કરીને મહિલા અને બાળ કલ્યાણ સાથે જોડાયેલી સેવાઓ અંગે નાગરિકોને જરૂરી માર્ગદર્શન મળે અને પાત્ર લાભાર્થીઓ સુધી સરકારી યોજનાઓનો લાભ પહોંચે તે માટે સ્ટોલ પર માહિતી અને માર્ગદર્શનની વ્યવસ્થા કરવામાં આવી હતી.
સેવાસેતુ કાર્યક્રમ માત્ર સરકારી યોજનાઓની માહિતી પૂરતો મર્યાદિત ન રહેતાં નાગરિકો અને વહીવટી તંત્ર વચ્ચે સીધો સંપર્ક સ્થાપિત કરવાનું માધ્યમ બની રહ્યો છે. વિવિધ સરકારી વિભાગોની સેવાઓને એક જ સ્થળે ઉપલબ્ધ કરાવવાના પ્રયાસથી નાગરિકોને જરૂરી માહિતી મેળવવામાં તેમજ યોજનાઓનો લાભ લેવા માટેની પ્રક્રિયા સમજવામાં સરળતા રહે છે.
ગાંધીધામ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં સ્થાનિક વહીવટી તંત્ર અને વિવિધ સરકારી વિભાગોના સંકલિત પ્રયાસો જોવા મળ્યા હતા. સેવાસેતુના માધ્યમથી સરકારી સેવાઓને વધુ સુલભ અને લોકાભિમુખ બનાવવાની કામગીરીને વેગ મળ્યો છે. ખાસ કરીને સમાજના છેવાડાના અને પાત્ર લાભાર્થીઓ સુધી કલ્યાણકારી યોજનાઓ પહોંચાડવા માટે આવા કાર્યક્રમો મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar