રાત્રી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો: નારાયણ સરોવર પોલીસે બે શખ્સોને રૂ.17,500ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા
કચ્છ, 27 સપ્ટેમ્બર (હિ.સ.) : કચ્છના લખપત વિસ્તારમાં રાત્રી દરમિયાન થયેલી ઘરફોડ ચોરીના વણશોધાયેલા ગુનાનો નારાયણ સરોવર પોલીસે સફળતાપૂર્વક ભેદ ઉકેલી બે શખ્સોને ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે. પોલીસે બંને આરોપીઓ પાસેથી ચા, ઘી, તેલ, ખાંડ સહિત રોકડ
નારાયણ સરોવર ઘરફોડ કેસના આરોપીઓ


કચ્છ, 27 સપ્ટેમ્બર (હિ.સ.) : કચ્છના લખપત વિસ્તારમાં રાત્રી દરમિયાન થયેલી ઘરફોડ ચોરીના વણશોધાયેલા ગુનાનો નારાયણ સરોવર પોલીસે સફળતાપૂર્વક ભેદ ઉકેલી બે શખ્સોને ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે. પોલીસે બંને આરોપીઓ પાસેથી ચા, ઘી, તેલ, ખાંડ સહિત રોકડ અને અન્ય પરચુરણ સામાન મળી કુલ અંદાજે રૂ.17,500નો મુદ્દામાલ કબજે કર્યો છે.

નારાયણ સરોવર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી હતી. રાત્રીના સમયે થયેલી ચોરીને પગલે પોલીસે ઘટનાની કડીઓ મેળવવા માટે તપાસ તેજ બનાવી હતી. તપાસ દરમિયાન મળેલી માહિતી અને પોલીસ ટીમની કામગીરીના આધારે શંકાસ્પદ શખ્સો સુધી પહોંચવામાં સફળતા મળી હતી.

આ કાર્યવાહી દરમિયાન પોલીસે સોનલનગર (પાધ્રો), તાલુકો લખપતના રહેવાસી શીવુભા ઉર્ફે સંદીપ ખેતુભા જાડેજા તેમજ કપૂરાશી, તાલુકો લખપતના દયારામ વિપુલભાઈ કોલીને ઝડપી પાડ્યા હતા. પોલીસ દ્વારા બંનેની પૂછપરછ તથા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

પકડાયેલા શખ્સો પાસેથી દિપક કંપનીની 250 ગ્રામની ચાની 60 પેકેટ, અંદાજે રૂ.5,000ની કિંમતના 500 ગ્રામ ઘીના 15 ડબ્બા, આશરે રૂ.2,000ની કિંમતનો પરચુરણ સામાન અને પડીકાઓ જેવી વસ્તુઓ, રૂ.3,000ની છૂટક રોકડ, એક લીટર તેલના 10 ડબ્બા તેમજ 20 કિલો ખાંડ મળી આવી હતી. જપ્ત કરાયેલા તમામ મુદ્દામાલની કુલ કિંમત આશરે રૂ.17,500 હોવાનું પોલીસ દ્વારા જણાવાયું છે.

નારાયણ સરોવર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર વી.બી. પટેલના માર્ગદર્શન હેઠળ પો.હેડ કોન્સ્ટેબલ રાણાભાઈ કે. કોલા, રાજુભાઈ ડી. ચૌધરી, યુવરાજસિંહ ડી. જાડેજા અને પો.કોન્સ્ટેબલ અલ્પેશકુમાર બી. સાવધરીયાની ટીમે આ કામગીરી હાથ ધરી હતી. પોલીસે ચોરીના ગુનાની વધુ તપાસ હાથ ધરી અન્ય કોઈ સંડોવણી છે કે કેમ તે અંગે પણ તપાસ આગળ ધપાવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande