
પાટણ, 27 સપ્ટેમ્બર (હિ.સ.) : ચાણસ્મા સ્થિત શ્રી સરસ્વતી શિશુ મંદિરમાં 50 બાળકોનો સામૂહિક જન્મદિવસ હવન સાથે ઉજવવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓમાં ભારતીય સંસ્કાર, ધાર્મિક ભાવના, પરસ્પર પ્રેમ અને સામૂહિકતાની ભાવના વિકસે તે હેતુથી આ વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન શાળા પરિસરમાં ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળ્યો હતો.
કાર્યક્રમની શરૂઆત વૈદિક મંત્રોચ્ચાર સાથે હવનથી કરવામાં આવી હતી. જન્મદિવસ ધરાવતા તમામ 50 બાળકોએ હવનમાં શ્રદ્ધાપૂર્વક આહુતિ આપી હતી. બાળકોએ સૌના સુખ, સ્વાસ્થ્ય, શિક્ષણ અને ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રાર્થના કરી હતી. હવન બાદ તમામ બાળકોને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી અને સામૂહિક રીતે જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે બાળકોમાં ભારે ઉત્સાહ અને આનંદ જોવા મળ્યો હતો.
આ આયોજન દ્વારા બાળકોને ભારતીય સંસ્કૃતિ અને પરંપરાઓ પ્રત્યે આદર રાખવા તેમજ એકબીજા સાથે પ્રેમ અને એકતાથી રહેવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. કાર્યક્રમને સફળ બનાવવા માટે વિદ્યાલયના પ્રધાનાચાર્ય, ગુરુજી-દીદી તેમજ સમગ્ર સ્ટાફે સહયોગ આપ્યો હતો. કાર્યક્રમના અંતે ઉપસ્થિત બાળકો અને સૌને પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે જ જન્મદિવસની ઉજવણી કરનારા તમામ 50 બાળકોના સુખી, સ્વસ્થ અને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ