



પોરબંદર, 27 સપ્ટેમ્બર (હિ.સ.) : ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત પોરબંદર જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા માર્ગ સલામતી અંગે જાગૃતિ કેળવવા અને અકસ્માતના આકસ્મિક સંજોગોમાં ઇજાગ્રસ્ત વ્યક્તિને સમયસર પ્રાથમિક સારવાર મળી રહે તેવા હેતુથી જિલ્લાની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓના વિદ્યાર્થીઓ માટે ‘ફર્સ્ટ રિસ્પોન્ડર’ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ અંતર્ગત જિલ્લાના સામૂહિક આરોગ્ય કેન્દ્રો તેમજ ગ્રામ્ય અને શહેરી વિસ્તારોનાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોની આસપાસ આવેલી કોલેજો અને માધ્યમિક શાળાઓના વિદ્યાર્થીઓને માર્ગ સલામતી, અકસ્માત સમયે રાખવાની તકેદારી, સીપીઆર (CPR) સહિતની જીવનરક્ષક પ્રાથમિક સારવાર અને કટોકટીના સમયે 108 એમ્બ્યુલન્સ સેવાનો ઉપયોગ કરવા અંગે વિસ્તૃત તાલીમ અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
પોરબંદર જિલ્લામાં 21આરોગ્ય સંસ્થાઓ દ્વારા 4,430 વિદ્યાર્થીઓએ આ તાલીમ આપવામાં હતી. આ તાલીમના માધ્યમથી વિદ્યાર્થીઓમાં માર્ગ સલામતી અંગે જાગૃતિ કેળવવાની સાથે અકસ્માત કે કટોકટીના સમયે તાત્કાલિક પ્રાથમિક સારવાર પૂરી પાડવા માટે જરૂરી કૌશલ્ય અને વ્યવહારુ જ્ઞાનનો વિકાસ કરવામાં આવ્યો હતો. આ પહેલ અકસ્માતના સમયે અમૂલ્ય માનવજીવન બચાવવામાં સહાયરૂપ બનશે.
ઉલ્લેખનીય છે કે તાલીમનો મુખ્ય ઉદ્દેશ્ય માર્ગ અકસ્માત કે અન્ય આકસ્મિક પરિસ્થિતિમાં ઇજાગ્રસ્ત વ્યક્તિને ઘટનાસ્થળે જ જરૂરી પ્રાથમિક સારવાર મળી રહે, સમયસર 108 એમ્બ્યુલન્સ સેવાનો સંપર્ક કરવામાં આવે અને ઇજાગ્રસ્તને નજીકના આરોગ્ય કેન્દ્ર ખાતે પહોંચાડી જરૂરિયાત મુજબ રેફરલ સહિતની તબીબી સેવાઓ ઝડપથી ઉપલબ્ધ કરાવી શકાય તે માટેનો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya