કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે દેશની પ્રથમ એલએનજી સંચાલિત ટ્રેનને લીલીઝંડી આપી
- આ ઉપરાંત રૂ. 1,542 કરોડથી વધુના વિવિધ રેલવે પ્રોજેક્ટ્સનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરાયું ગાંધીનગર, 27 સપ્ટેમ્બર (હિ.સ.) : કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહના હસ્તે દેશની પ્રથમ એલએનજી ટ્રેનને લીલીઝંડી બતાવી પ્રસ્થાન કરાવવા ઉપરાંત સાબરમતી અ
કેન્દ્રીય મંત્રી અમિત શાહ


અમદાવાદ ખાતે કાર્યક્રમ યોજાયો


અમદાવાદ ખાતે કાર્યક્રમ યોજાયો


- આ ઉપરાંત રૂ. 1,542 કરોડથી વધુના વિવિધ રેલવે પ્રોજેક્ટ્સનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરાયું

ગાંધીનગર, 27 સપ્ટેમ્બર (હિ.સ.) : કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહના હસ્તે દેશની પ્રથમ એલએનજી ટ્રેનને લીલીઝંડી બતાવી પ્રસ્થાન કરાવવા ઉપરાંત સાબરમતી અત્યાધુનિક WAG-12 લોકોમોટિવ મેન્ટેનન્સ શેડ તથા સાબરમતી–કલોલ–ભાંડુ મોટીદાઉ તથા સાબરમતી–સાણંદ–જખવાડા રેલખંડ પર એબીએસ પ્રણાલીના લોકાર્પણ તેમજ અમદાવાદ મંડળના 404 કિલોમીટર લાંબા રેલખંડ (અમદાવાદથી પાલનપુર અને સામાખ્યાલી) પર 'કવચ' પ્રણાલી અને સાબરમતી -સરખેજ રેલવે લાઇનના ડબલિંગનું ખાતમુહૂર્ત કરાયું.

ભારતીય રેલવે દ્વારા સલામતી, કાર્યક્ષમતા અને આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ક્ષેત્રે એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરતા કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના હસ્તે સાબરમતી ખાતે રૂ. 1,542 કરોડથી વધુના વિવિધ અત્યંત મહત્વપૂર્ણ રેલવે પ્રોજેક્ટ્સનું લોકાર્પણ, ખાતમુહૂર્ત અને પ્રસ્થાન સંપન્ન કરવામાં આવ્યું છે.

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે રેલવેના વિવિધ લોકાર્પણ-ખાતમુહૂર્ત પ્રસંગે જણાવ્યું હતું કે આજે આપણે આત્મબળ અને સત્યના પ્રયોગોની ભૂમિ એવી સાબરમતીની ધરતી પર ઊભા છીએ, જ્યાં મહાત્મા ગાંધીએ આશ્રમ સ્થાપીને દેશની આઝાદીના આંદોલનનું કેન્દ્ર બનાવ્યું હતું. બાપુએ આ ધરતી પર જ સત્યાગ્રહ, સાદું જીવન, ગ્રામીણ વિકાસ, ખાદીના પ્રયોગો કર્યા હતા. બાપુની આ ભૂમિને વંદન છે.

સાબરમતી રેલવે સ્ટેશનના બદલાયેલા સ્વરૂપ અંગે ભૂતકાળનાં સંસ્મરણો વાગોળતા તેમણે કહ્યું કે, હું અગાઉ ઘણી વખત દિલ્હીથી આવતી વખતે સાબરમતી રેલવે સ્ટેશને ઊતર્યો છું... કોઈ માની જ ન શકે કે 80ના દાયકામાં રિક્ષા પકડવા માટે 2 કિલોમીટર ચાલીને જવું પડતું હતું, તે જ આ સાબરમતી સ્ટેશનનો કોઈ માની ન શકે તેવો કાયાકલ્પ થયો છે. સાબરમતી સ્ટેશન પર રેલવે યાત્રીઓની સુવિધા, સુરક્ષા અને કનેક્ટિવિટીની દૃષ્ટિએ અનેક પરિવર્તનો થયાં છે. અહીંથી મેટ્રો રેલ, બસ સ્ટેશન અને બુલેટ ટ્રેનના સ્ટેશન સુધી પહોંચવાની સુવિધા વિકસી છે. પશ્ચિમ અમદાવાદના લોકોને શુભેચ્છાઓ પાઠવું છું, એવું તેમણે ઉમેર્યું હતું.

દેશમાં રેલવે ક્ષેત્રે સ્થાપિત થઈ રહેલા આત્મનિર્ભરતાના નવા આયામો અને શક્તિશાળી લોકોમોટિવ વિશે વાત કરતાં તેમણે ઉમેર્યું હતું કે, એક એવું એન્જિન જે 12,000 હોર્સપાવરની ટ્વિન સેક્શન ક્ષમતા સાથે, લગભગ 600 ટ્રક જેટલો માલસામાન આ એકલું એન્જિન ખેંચી જશે. પહેલાં બે લોકોમોટિવ લગાવવા પડતા હતા, હવે એક જ WAG-12 આ કામ કરી શકે છે. તે દેશને રેલવેના ઇતિહાસમાં એક મહત્ત્વપૂર્ણ સ્થાને પહોંચાડશે... એક યુવાન એન્જિનિયરે મને જણાવ્યું કે આ એન્જિનના ખર્ચનું 94% કામ ભારતમાં થયું છે, જેને અમે 3 વર્ષમાં 100% કરી દઈશું. આ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની દૂરંદેશીનું પરિણામ છે, જેમણે 'મેક ઇન ઇન્ડિયા' અને 'આત્મનિર્ભર ભારત'નું વિઝન આપ્યું અને રેલવેએ તેને ચરિતાર્થ કર્યું છે, એવું તેમણે ઉમેર્યું હતું.

દેશની પ્રથમ એલએનજી ટ્રેનને લીલીઝંડી આપવા નિમિત્તે રેલવેના ગ્રીન એનર્જી સંકલ્પ અને ડીઝલમુક્ત ભવિષ્યની રૂપરેખા સ્પષ્ટ કરતાં કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે 2015-16માં રેલવે 293 કરોડ લીટર ડીઝલનો ઉપયોગ કરતી હતી. આ ડીઝલ વપરાશ વર્ષ 2024-25માં ઘટીને 108 કરોડ લીટર થઈ ગયો છે, અને 2030 સુધીમાં તેને શૂન્ય (ઝીરો) કરીને આપણે ભારતનું હુંડિયામણ બચાવીશું. વિદ્યુતીકરણ 2010-11માં વર્ષે માત્ર 75 કિલોમીટર થતું હતું, જ્યારે 2023-24માં એક જ વર્ષમાં 7,188 કિલોમીટર વિદ્યુતીકરણ થયું છે. 75થી સીધો 7,000 કિલોમીટરનો કૂદકો જોવા મળ્યો છે.

ગુજરાતને મળેલા રેલવે બજેટની અગાઉની સરકારો સાથે સરખામણી કરતાં અમિત શાહે કહ્યું કે હું માત્ર ગુજરાતના રેલવે બજેટની વાત કરું તો 2009થી 2014 વચ્ચે 5 વર્ષમાં માત્ર 589 કરોડ રૂપિયા મળ્યા હતા... જ્યારે માત્ર 2026-27ના બજેટમાં ગુજરાતને રૂ. 17,366 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે, એવું તેમણે ઉમેર્યું હતું.

આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રાષ્ટ્રસેવા અને જનકલ્યાણનાં 25 વર્ષના સફળ કાર્યકાળ નિમિત્તે દેશભરમાં 'સેવા સંકલ્પ અભિયાન' ચાલી રહ્યું છે. વડાપ્રધાનશ્રીએ સત્તાને સેવાનું માધ્યમ બનાવી દેશના છેવાડાના માનવી સુધી વિકાસ પહોંચાડ્યો છે. કલમ 370 નાબૂદ કરવી, આંતરિક સુરક્ષા અને નક્સલવાદ સામે નિર્ણાયક નીતિ જેવા અશક્ય લાગતાં કાર્યો વડાપ્રધાનની વિઝનરી લીડરશિપ અને કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહના અથાક પરિશ્રમથી સાકાર થયા છે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહના હસ્તે દેશની પ્રથમ LNG સંચાલિત ટ્રેનની શરૂઆત પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, પશ્ચિમ રેલવે અને અમદાવાદ ડિવિઝન માટે આ ગૌરવપૂર્ણ અવસર છે. ક્લીન અને ગ્રીન એનર્જી તરફ આ પહેલ એક મોટું કદમ સાબિત થશે, જે ઈંધણ ખર્ચ ઘટાડવાની સાથે કાર્બન ઉત્સર્જન નિયંત્રિત કરવામાં મદદરૂપ બનશે. સરકાર ‘ઇકોનોમી અને ઇકોલોજી’ બંનેને સાથે લઈને ચાલી રહી છે. રેલવેમાં 99% ઇલેક્ટ્રિફિકેશન, ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર અને હાઇડ્રોજન ટ્રેન જેવી પહેલો રેલવેને આધુનિક અને પર્યાવરણ-અનુકૂળ બનાવી રહી છે.

તેમણે ઉમેર્યું કે, ગુજરાતના ઝડપી ઔદ્યોગિક વિકાસને અનુરૂપ રેલવે માળખાને ભવિષ્યલક્ષી બનાવવામાં આવી રહ્યું છે. વડાપ્રધાનના માર્ગદર્શન હેઠળ ગુજરાતને બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ઉપરાંત 5 વંદે ભારત, 1 અમૃત ભારત અને 1 નમો ભારત ટ્રેનની ભેટ મળી છે. અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ રાજ્યના 87 રેલવે સ્ટેશનોનો કાયાકલ્પ થઈ રહ્યો છે અને રૂ. 1.28 લાખ કરોડથી વધુના પ્રોજેક્ટ્સ પ્રગતિ હેઠળ છે.

મુખ્યમંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, 'વિકસિત ભારત 2047'ના સંકલ્પને સાકાર કરવામાં ભારતીય રેલવે સલામતી અને ઝડપ સાથે દેશના પરિવહનની મજબૂત કરોડરજ્જુ બની રહેશે.

કાર્યક્રમ દરમિયાન મહાનુભાવો દ્વારા લોકોમોટીવ શેડમાં પ્રદર્શન નિહાળી, લોકો એન્જિન ટ્રેનનું અવલોકન કર્યું તેમજ લોકોમોટિવનું ફ્લેગ ઓફ કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમની શરૂઆતમાં ડીઆરએમ, અમદાવાદ વેદ પ્રકાશે સ્વાગત પ્રવચન કર્યું હતું. સમગ્ર કાર્યક્રમના અંતે પશ્ચિમ રેલવે પ્રશાસન દ્વારા મંચસ્થ તમામ મહાનુભાવો, ઉપસ્થિત નાગરિકો તેમજ મીડિયાકર્મીઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

આ લોકાર્પણ સમારંભમાં રાજ્યમંત્રી દર્શનાબહેન વાઘેલા, અમદાવાદના મેયર હિતેશભાઈ બારોટ, સાંસદ હસમુખભાઈ પટેલ, સાબરમતીના ધારાસભ્ય ડૉ. હર્ષદભાઈ પટેલ સહિત અમદાવાદ અને ગાંધીનગર વિસ્તારના ધારાસભ્યઓ, પશ્ચિમ રેલવેના વરિષ્ઠ અધિકારીઓ અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

આ ઉપરાંત અમદાવાદ ક્ષેત્રમાં ભવિષ્યની મુસાફરી અને સરખેજ–ધોલેરા ઔદ્યોગિક કનેક્ટિવિટીને વેગ આપવા માટે રૂ. 313.27 કરોડના ખર્ચે માર્ચ 2028 સુધીમાં પૂર્ણ થનારા 21 કિલોમીટર લાંબા સાબરમતી–સરખેજ રેલવે લાઇનના ડબલિંગ કાર્યનો પણ શિલાન્યાસ કરવામાં આવ્યો છે.

પર્યાવરણ સંરક્ષણ અને સ્વચ્છ ઊર્જા તરફ ક્રાંતિકારી પહેલ કરતા મુખ્ય અતિથિ દ્વારા ડ્રાઇવિંગ પાવર કાર (DPC)માં 40 ટકા સુધી LNG ઉપયોગ કરતી ભારતની સૌપ્રથમ ડ્યુઅલ-ફ્યુઅલ LNG ટ્રેન તેમજ શક્તિશાળી WAG-12 વિદ્યુત લોકોમોટિવને લીલી ઝંડી બતાવી રવાના કરવામાં આવ્યા હતા. ડીઝલની બચત અને ઉત્સર્જનમાં ભારે ઘટાડો કરનારી આ હરિત પહેલ ભારતીય રેલવેની કાર્બન ઉત્સર્જન ઘટાડવાની કટિબદ્ધતાને સાકાર કરે છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande