


- નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિ
- રેલ સુરક્ષા અને માલવહન ક્ષમતાને મળશે નવું બળ
અમદાવાદ, 27 સપ્ટેમ્બર (હિ.સ.) : કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહના વરદ હસ્તે પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ હેઠળ આવેલા સાબરમતી (કાળી ગામ) ખાતે ₹700 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલા અત્યાધુનિક ડબ્લ્યુએજી-12 જાળવણી શેડનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
સાબરમતી લોકોમોટિવ શેડની મુખ્ય વિશેષતાઓ અને લાભો
ઉચ્ચ ક્ષમતા ધરાવતાં એન્જિન આ શેડમાં હોમિંગ અને જાળવણી થનાર ડબ્લ્યુએજી-12 લોકોમોટિવ આશરે ૧૨,૦૦૦ હોર્સપાવર (HP) ની પ્રચંડ ક્ષમતા ધરાવે છે, જે ભારે અને લાંબી માલગાડીઓના ઝડપી અને સુચારુ સંચાલન માટે અત્યંત મહત્વપૂર્ણ સાબિત થશે.
જાળવણી કરાર (MSA)
કુલ ૩૦૦ ડબ્લ્યુએજી-12 લોકોમોટિવની વૈજ્ઞાનિક જાળવણી માટે 'M/s Madhepura Electric Locomotive Private Limited (MELPL)' અને સાબરમતી લોકોમોટિવ શેડ વચ્ચે મેન્ટેનન્સ સર્વિસ એગ્રીમેન્ટ (MSA) કરવામાં આવ્યું છે.
તબક્કાવાર ઉપલબ્ધતા: વર્તમાનમાં ૧૫૪ ડબ્લ્યુએજી-12 લોકોમોટિવનું હોમિંગ પૂર્ણ થઈ ચૂક્યું છે, જ્યારે વર્ષ ૨૦૨૭-૨૮ સુધીમાં તમામ ૩૦૦ લોકોમોટિવ પ્રાપ્ત કરવાનું લક્ષ્યાંક રાખવામાં આવ્યું છે.
કાર્યક્ષમતામાં વધારો
અત્યાધુનિક તકનીકી સુવિધાઓ અને વૈજ્ઞાનિક દેખરેખને લીધે લોકોમોટિવની ઉપલબ્ધતા, વિશ્વસનીયતા અને રેલવેની એકંદર માલવહન ક્ષમતામાં મોટો વધારો થશે.
આ અદ્યતન ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી ભારતીય રેલવેની માલવહન ક્ષમતા, સંચાલન કાર્યક્ષમતા ક્ષેત્રે એક નવો અધ્યાય શરૂ થશે.
આ પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રીએ ડબ્લ્યુએજી-12 ઇલેક્ટ્રિક લોકોમોટિવ (એન્જિન નંબર 6059) ને લીલી ઝંડી દર્શાવી પ્રસ્થાન કરાવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છેકે આજના આધુનિક યુગમાં રેલવે માત્ર પરિવહનનું માધ્યમ ન રહેતાં ‘આત્મનિર્ભર ભારત’ અને ‘મેક ઇન ઇન્ડિયા’ની સંકલ્પનાને સાકાર કરતું સુશાસન તથા રાષ્ટ્રીય ગૌરવનું પ્રતીક બન્યું છે.
કશ્મીરથી કન્યાકુમારી અને ગુજરાતથી અસમ સુધી પથરાયેલું રેલવે નેટવર્ક દેશના વિવિધ રાજ્યો, ભાષાઓ અને સંસ્કૃતિઓને એકતાના તાંતણે બાંધવાનું મહત્વપૂર્ણ કાર્ય કરી રહ્યું છે.
આ પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રી સહિત મહાનુભાવોએ શેડ ના વિકાસની ગતિ દર્શાવતું પ્રદર્શનીનુ નિરીક્ષણ કર્યું હતું
આ અવસરે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, ડી આર એમ વેદ પ્રકાશ, મેયર હિતેશભાઈ બારોટ, દંડક અતુલ મિશ્રા, ધારાસભ્ય હર્ષદ પટેલ, અગ્રણી પ્રેરક શાહ સહિત અનેક રેલવે ના ઉચ્ચ અધિકારીઓ, પદાધિકારીઓ તેમજ પ્રબુદ્ધ નાગરિકો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ