ગોયલે કહ્યું - અનુકૂળ નીતિઓને કારણે યુપી પસંદગીનું રોકાણ સ્થળ બનીને ઉભર્યું
નવી દિલ્હી, 27 સપ્ટેમ્બર (હિ.સ.). વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે રવિવારે જણાવ્યું હતું કે, અનુકૂળ ઔદ્યોગિક નીતિઓ અને મોટી કંપનીઓને આકર્ષવાની તેની ક્ષમતાને કારણે ઉત્તર પ્રદેશ (યુપી) સ્થાનિક અને વૈશ્વિક રોકાણકારો માટે એક પસંદગીના રોકાણ સ્થળ તર
ગ્રેટર નોઇડામાં 'યુપી ઇન્ટરનેશનલ ટ્રેડ શો'ને સંબોધિત કરતા પીયુષ ગોયલ


નવી દિલ્હી, 27 સપ્ટેમ્બર (હિ.સ.). વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે રવિવારે જણાવ્યું હતું કે, અનુકૂળ ઔદ્યોગિક નીતિઓ અને મોટી કંપનીઓને આકર્ષવાની તેની ક્ષમતાને કારણે ઉત્તર પ્રદેશ (યુપી) સ્થાનિક અને વૈશ્વિક રોકાણકારો માટે એક પસંદગીના રોકાણ સ્થળ તરીકે ઉભરી આવ્યું છે. તેમણે કહ્યું કે, નિકાસ, રોકાણ અને વૈશ્વિક બજારો સુધી પહોંચના વિસ્તરણથી ઉત્તર પ્રદેશને એક ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બનાવવાના લક્ષ્યમાં યોગદાન મળશે.

ગોયલે ગ્રેટર નોઇડામાં 'યુપી ઇન્ટરનેશનલ ટ્રેડ શો'ને સંબોધિત કરતા જણાવ્યું હતું કે, રાજ્યના મહેસૂલ સંગ્રહમાં થયેલા નોંધપાત્ર વધારાએ પ્રદેશના વિકાસને ગતિ આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. આ સમયે રાજ્યની વાર્ષિક નિકાસ લગભગ બે લાખ કરોડ રૂપિયા છે અને તેને 2030 સુધીમાં વધારીને પાંચ લાખ કરોડ રૂપિયા કરવાનો લક્ષ્ય રાખવામાં આવ્યો છે. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રીએ ઇન્ડિયા એક્સપો સેન્ટર એન્ડ માર્ટ, ગ્રેટર નોઇડામાં આયોજિત ચોથા 'યુપી ઇન્ટરનેશનલ ટ્રેડ શો'ને સંબોધિત કરતા કહ્યું કે, પોતાની અનુકૂળ ઔદ્યોગિક નીતિઓને કારણે ઉત્તર પ્રદેશ એક પસંદગીનું રોકાણ સ્થળ બની ગયું છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વિવિધ ક્ષેત્રોમાં મુખ્ય કોર્પોરેટ ગૃહો અને વૈશ્વિક રોકાણકારો આવી રહ્યા છે, જેનાથી રોજગારની નવી તકો ઊભી થઈ રહી છે.

ગોયલે જણાવ્યું કે, રાજ્યનો આબકારી શુલ્ક સંગ્રહ નાણાકીય વર્ષ 2016-17ના 14,273 કરોડ રૂપિયાની સરખામણીમાં ચાર ગણાથી વધુ વધીને નાણાકીય વર્ષ 2025-26માં 60,728 કરોડ રૂપિયા પર પહોંચી ગયો છે. જ્યારે, ચાલુ નાણાકીય વર્ષ 2026-27ના અંત સુધીમાં તે 70,000 કરોડ રૂપિયા સુધી પહોંચવાની અપેક્ષા છે. તેમણે કહ્યું કે, સ્ટેમ્પ શુલ્ક સંગ્રહ સહિત જમીન હસ્તાંતરણ નોંધણી શુલ્ક પણ નાણાકીય વર્ષ 2016-17ના 11,564 કરોડ રૂપિયાથી વધીને નાણાકીય વર્ષ 2026-27ના બજેટમાં 43,802 કરોડ રૂપિયા થઈ ગયું છે. ગોયલે કહ્યું કે, ખનન મહેસૂલ સંગ્રહમાં પણ આ જ પ્રકારનો ભારે વધારો નોંધાયો છે અને આ સમગ્ર મહેસૂલનો ઉપયોગ રાજ્યના આર્થિક વિકાસ માટે કરવામાં આવી રહ્યો છે. તેમણે કહ્યું કે, ઉત્તર પ્રદેશના વિકાસનો આગલો પડાવ વૈશ્વિક બજારોમાં નિકાસ વધારવી, આંતરરાષ્ટ્રીય રોકાણ આકર્ષિત કરવું, પર્યટનને સુદૃઢ બનાવવું અને રાજ્યના સ્થાનિક બ્રાન્ડને આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખ અપાવવી છે.

કેન્દ્રીય વાણિજ્ય મંત્રીએ એક્સ પર જારી એક પોસ્ટમાં લખ્યું, આજે યુપી ઇન્ટરનેશનલ ટ્રેડ શોના ચોથા સંસ્કરણમાં ઉત્તર પ્રદેશની ક્ષમતા, કૌશલ્ય અને વૈશ્વિક તકોના સંગમને નજીકથી જોવાનો અને પોતાના વિચારો શેર કરવાનો અવસર મળ્યો. ગોયલે કહ્યું કે, એક્સપ્રેસવે, એરપોર્ટ અને ઇન્ડસ્ટ્રિયલ પાર્કથી લઈને ડિફેન્સ, સેમિકન્ડક્ટર અને ઇલેક્ટ્રોનિક્સ ક્લસ્ટર સુધી, ઉત્તર પ્રદેશે વિકાસનો મજબૂત પાયો તૈયાર કર્યો છે. તેમણે કહ્યું કે, ઉત્તર પ્રદેશ નિકાસ માટે તૈયાર, બ્રાન્ડ માટે તૈયાર અને વિશ્વસનીય ઉત્પાદન ભાગીદાર બનાવવાની દિશામાં પ્રદેશ સતત આગળ વધી રહ્યું છે. ગોયલે કહ્યું કે, યુવા શક્તિ, એમએસએમઈ, કારીગરો અને નવી ટેકનોલોજીની ક્ષમતાથી સ્થાનિકને વૈશ્વિક બનાવવું એ જ વિકસિત ઉત્તર પ્રદેશ અને વિકસિત ભારતનું લક્ષ્ય છે. વેપાર મેળાના આ પાંચ દિવસ ફક્ત પ્રદર્શન સુધી સીમિત નથી, પરંતુ વર્ષભર ચાલનારા વૈશ્વિક વેપારની નવી તકોનો પ્રારંભ છે.

હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / સુનિત નિગમ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande