
વલસાડ, 27 સપ્ટેમ્બર (હિ.સ.) : વલસાડ જિલ્લામાં માદક પદાર્થોના ગેરકાયદેસર સંગ્રહ, વેચાણ અને હેરાફેરી સામે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે ઉમરગામ પોલીસે દહેરી ગામના કટવાડ ફળિયામાં કાર્યવાહી કરી વાડીની ખુલ્લી જમીનમાં ગાંજાનો છોડ ઉગાડી તેની માવજત કરનાર એક ઇસમને ઝડપી પાડ્યો છે.
પોલીસ પેટ્રોલિંગ દરમિયાન મળેલી માહિતીના આધારે દહેરી ગામના કટવાડ ફળિયામાં તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન હેમરાજ ઉર્ફે પિન્ટુ સોહનલાલ ચૌહાણ (27)ની કબજા ભોગવટાની વાડીની ખુલ્લી જમીનમાં ગાંજાનો છોડ ઉગાડવામાં આવ્યો હોવાનું સામે આવ્યું હતું. પોલીસે સ્થળ પરથી એક લીલો ગાંજાનો છોડ કબજે કર્યો હતો.
પોલીસના જણાવ્યા મુજબ, કબજે કરાયેલા ગાંજાના છોડનું વજન 3.799 કિલોગ્રામ થયું હતું અને તેની કિંમત અંદાજે રૂ.1,89,950 આંકવામાં આવી છે. ઉપરાંત પોલીસે આરોપી પાસેથી રૂ.10,000ની કિંમતનો મોબાઇલ ફોન પણ કબજે કર્યો છે. આમ સમગ્ર કાર્યવાહીમાં પોલીસે કુલ રૂ.1,99,950નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
આ અંગે ઉમરગામ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે આરોપીને ઝડપી પાડી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.
આ કાર્યવાહી પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ઉમરગામ પોલીસ ઇન્સ્પેક્ટર એચ.ડી. તુવર, પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર.એસ. ચૌધરી અને એચ.કે. રાઠોડ સહિતની પોલીસ ટીમ દ્વારા કરવામાં આવી હતી. પોલીસ દ્વારા આરોપી ગાંજાનો છોડ ક્યાંથી લાવ્યો હતો અને આ પ્રવૃત્તિમાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Krishna Ghanshyam Jha