
ભાવનગર, 29 સપ્ટેમ્બર (હિ.સ.)સિહોર જાયન્ટ્સ ગ્રુપ ઓફ સિહોર દ્વારા જાયન્ટ્સ વીકની ઉજવણી અંતર્ગત ઔદિચ્ય છાત્રાલય, સિહોર ખાતે જનરલ મીટીંગ અને સંગીત સંધ્યા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ગ્રુપના સભ્યો સહપરિવાર મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને પ્રાર્થનાથી કરવામાં આવી હતી. ત્યારબાદ ગ્રુપના સેક્રેટરી નિશાંતભાઈ ગોરડીયા દ્વારા જાન્યુઆરી 2026થી સપ્ટેમ્બર 2026 સુધી ગ્રુપ દ્વારા કરવામાં આવેલા 37 જેટલા સેવાકીય પ્રોજેક્ટ્સનો વિસ્તૃત અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો. આ સેવાકીય પ્રવૃત્તિઓમાં દાતાશ્રીઓ તેમજ ગ્રુપના સભ્યો દ્વારા દાતા તરીકે સહયોગ આપવામાં આવ્યો હોવાનું જણાવાયું હતું. કાર્યક્રમમાં ગ્રુપના પ્રમુખ સમીરભાઈ બેલીમ, IPP જયદત્તભાઈ જાની, સેક્રેટરી નિશાંતભાઈ ગોરડીયા, P.R.O. તથા વરિષ્ઠ પત્રકાર હરિશભાઈ પવાર તેમજ સિનિયર કમિટી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. પ્રમુખ સમીરભાઈ બેલીમે પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું.
સંગીત સંધ્યામાં જાયન્ટ્સ મેમ્બર હિરેનભાઈ પંડ્યા તથા તેમના ધર્મપત્ની કૃપાબેન પંડ્યાએ સુમધુર ગીતોની રજૂઆત કરી હતી. તેમના મધુર સ્વરોથી સમગ્ર વાતાવરણ સંગીતમય બની ગયું હતું. સિનિયર મેમ્બર મહેન્દ્રભાઈ મણિયાર અને ભરતભાઈ ભટ્ટે સામાજિક પ્રવૃત્તિઓને વધુ વેગ આપવા માર્ગદર્શન આપ્યું હતું. સુનિલભાઈ ત્રિવેદીએ સેક્રેટરી નિશાંતભાઈ ગોરડીયાની કામગીરી અને રિપોર્ટિંગને બિરદાવ્યું હતું. અંતે ગ્રુપની સેવાકીય પ્રવૃત્તિઓનો વ્યાપ વધુ વિસ્તૃત કરવા આહવાન સાથે આભારવિધિ કરવામાં આવી હતી. કાર્યક્રમના અંતે સભ્યોએ સ્વરુચિ ભોજન સાથે સંગીત સંધ્યાનો આનંદ માણ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA