


પાટણ, 29 સપ્ટેમ્બર (હિ.સ.)કુંવારા ગામના રામજી મંદિરની વાડી ખાતે ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત કુંવારા-1થી 7ની તમામ આંગણવાડીઓનો સંયુક્ત ‘આંગણ ઉત્સવ’ યોજાયો હતો. કાર્યક્રમમાં બાળકો, આંગણવાડી કાર્યકરો, તેડાગરો, આશા વર્કરો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમમાં તાલુકા ડેલીગેટ મુકેશભાઈ પટેલ, સરપંચ ડાહ્યાભાઈ દેસાઈ, તાલુકા ભાજપ મહામંત્રી શૈલેષભાઈ પટેલ, પાટીદાર અગ્રણી દીપકભાઈ પટેલ, કલ્પેશભાઈ પટેલ, દિનેશભાઈ રાજપૂત, પ્રકાશભાઈ પટેલ, તાલુકા મહિલા મોરચાના પ્રમુખ વર્ષાબેન પંચાલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આંગણ ઉત્સવ દરમિયાન વિવિધ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનાર આંગણવાડી કાર્યકરો, તેડાગર બહેનો અને આશા વર્કરોને મહાનુભાવોના હસ્તે પ્રોત્સાહક પ્રમાણપત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. સાથે જ નાના બાળકોને પણ પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમમાં સગર્ભા માતાઓ, ધાત્રી માતાઓ, નાના બાળકો તથા કિશોરીઓને પોષક તત્વોથી ભરપૂર THR (ટેક હોમ રાશન)ના પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આંગણવાડી મારફતે સરકાર દ્વારા આપવામાં આવતી વિવિધ પોષણલક્ષી યોજનાઓ અંગે લાભાર્થીઓને માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું.
ઉપસ્થિત અગ્રણીઓએ બાળકોના સર્વાંગી વિકાસ માટે નાનપણથી જ શિક્ષણ, સારા સંસ્કાર અને આરોગ્યની કાળજીનું મહત્વ સમજાવ્યું હતું. આંગણવાડી કાર્યકરો દ્વારા બાળકો અને માતાઓ માટે કરવામાં આવતી કામગીરીને પણ બિરદાવવામાં આવી હતી.
કાર્યક્રમ દરમિયાન કુપોષણ સામે જાગૃતિ વધારી ‘કુપોષણ મુક્ત ગુજરાત’ના સંકલ્પને સાકાર કરવા માટે સૌએ પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. સમગ્ર કાર્યક્રમ ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં યોજાયો હતો.ફોટો કેપ્શન: કુંવારા ગામે યોજાયેલા ‘આંગણ ઉત્સવ’ દરમિયાન બાળકો તથા આંગણવાડી કાર્યકરોનું સન્માન અને THRનું વિતરણ કરાયું.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ