
ભાવનગર, 29 સપ્ટેમ્બર (હિ.સ.) શ્રી આદર્શ માધ્યમિક વિદ્યાલય, બોટાદ સંચાલિત DLSS બોટાદના ખેલાડીઓએ આણંદ ખાતે ટેકવોન્ડો ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા આયોજિત છઠ્ઠી સબ જુનિયર અને સાતમી કેડેટ રાજ્ય કક્ષાની ટેકવોન્ડો સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી કુલ 16 મેડલ મેળવ્યા છે. જેમાં 7 ગોલ્ડ, 4 સિલ્વર અને 5 બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે.
ગોલ્ડ મેડલ મેળવનાર ખેલાડીઓમાં સાંકળીયા ખમ્મા, બોરીચા વૈભવી, પરમાર ભાવિકા, મેર હેતિશા, વસાણી પૂરી, તલસાણીયા શિવાંગી અને મકવાણા હસ્તીનો સમાવેશ થાય છે. જ્યારે બાવળીયા વંસિતા, ગોહેલ અસ્મિતા, સોલંકી દ્રષ્ટિ અને ડાભી કૃપાલીએ સિલ્વર મેડલ મેળવ્યા હતા. સોલંકી જયશ્રી, મેર પ્રિયાંશી, તલસાણીયા આદિત્ય, તલસાણીયા શિવાંગી અને તાવિયા હર્શિતાએ બ્રોન્ઝ મેડલ મેળવ્યા હતા.
આ સફળતા પાછળ ટેકવોન્ડો કોચ અજય મોર્ય અને ટ્રેનર પટેલ હેપ્પીનું સતત માર્ગદર્શન તથા સઘન તાલીમનો મહત્વનો ફાળો રહ્યો છે. ખેલાડીઓ દૈનિક આશરે છ કલાક નિયમિત વર્કઆઉટ અને તાલીમ મેળવી રહ્યા છે.
રાજ્ય કક્ષાની આ સિદ્ધિથી DLSS બોટાદ સાથે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર બોટાદ તથા સમગ્ર બોટાદ જિલ્લાનું નામ ગૌરવવંતું થયું છે.
આ સિદ્ધિ બદલ મેનેજિંગ ટ્રસ્ટી પ્રભુ સાહેબ, આચાર્ય સંજય સાહેબ, કોચ, ટ્રેનર, શિક્ષકગણ, વાલીઓ અને સમગ્ર DLSS બોટાદ પરિવાર દ્વારા તમામ ખેલાડીઓને અભિનંદન પાઠવવામાં આવ્યા છે.
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA