
સુરત, 29 સપ્ટેમ્બર (હિ.સ.): સુરતના પાલ વિસ્તારમાં ગઈકાલે મોડી રાત્રે એક લક્ઝુરિયસ Audi કારમાં અચાનક આગ લાગતાં અફરાતફરી મચી ગઈ હતી. પાલ ગ્રીન સિટી રોડ પરથી પસાર થતી કારના બોનેટમાંથી અચાનક ધુમાડો નીકળવા લાગ્યો હતો. પરિસ્થિતિનો અંદાજ આવતા ચાલકે કારને તરત જ રસ્તાની બાજુએ રોકી દીધી હતી અને સમયસર કારમાંથી બહાર નીકળી ગયા હતા. જેના કારણે મોટી જાનહાનિ ટળી હતી.
ચાલક કારમાંથી બહાર નીકળ્યાની થોડી જ મિનિટોમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. કારના બોનેટ અને એન્જિનના ભાગમાંથી ઊંચી જ્વાળાઓ નીકળવા લાગી હતી. રસ્તા પરથી પસાર થતા વાહનચાલકો અને સ્થાનિક લોકો ઘટનાસ્થળે એકઠા થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો.
આગમાં કારના એન્જિન, બોનેટ અને વાયરિંગ સહિતના ભાગોને ભારે નુકસાન થયું છે. ફાયર વિભાગની પ્રાથમિક તપાસમાં એન્જિનના વાયરિંગમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આશરે ₹70 લાખની કિંમતની કારને મોટું નુકસાન થયું છે, જોકે ચાલકે સમયસર સતર્કતા દાખવતાં કોઈ જાનહાનિ થઈ નથી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે