ખડસલીનો કબડ્ડીમાં ડંકો! અન્ડર-17માં ચેમ્પિયન, ઓપનમાં રનર્સઅપ બની જિલ્લા કક્ષાએ પહોંચશે ટીમ
અમરેલી,29 સપ્ટેમ્બર (હિ.સ.) અમરેલી જિલ્લાના સાવરકુંડલા શહેરમાં આવેલા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ખેલ મહાકુંભ અંતર્ગત કબડ્ડી સ્પર્ધાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. સ્પર્ધામાં સાવરકુંડલા તાલુકાના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ખેલાડીઓએ ઉત્સાહપ
ખડસલીનો કબડ્ડીમાં ડંકો! અન્ડર-17માં ચેમ્પિયન, ઓપનમાં રનર્સઅપ બની જિલ્લા કક્ષાએ પહોંચશે ટીમ


ખડસલીનો કબડ્ડીમાં ડંકો! અન્ડર-17માં ચેમ્પિયન, ઓપનમાં રનર્સઅપ બની જિલ્લા કક્ષાએ પહોંચશે ટીમ


અમરેલી,29 સપ્ટેમ્બર (હિ.સ.) અમરેલી જિલ્લાના સાવરકુંડલા શહેરમાં આવેલા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ખેલ મહાકુંભ અંતર્ગત કબડ્ડી સ્પર્ધાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. સ્પર્ધામાં સાવરકુંડલા તાલુકાના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ખેલાડીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

કબડ્ડી સ્પર્ધામાં અન્ડર-17 ભાઈઓની 10થી વધુ ટીમો સહિત બહેનોની પાંચ જેટલી ટીમો અને અન્ય કેટેગરીની ટીમો મળી કુલ આશરે 20 ટીમોએ ભાગ લીધો હતો. ખેલાડીઓએ મેદાનમાં પોતાની રમતની પ્રતિભા અને ટીમવર્કનું શાનદાર પ્રદર્શન કર્યું હતું.

અન્ડર-17 ભાઈઓની કબડ્ડી સ્પર્ધામાં લોકશાળા ખડસલીની ટીમે શાનદાર રમતનું પ્રદર્શન કરીને વિજય મેળવ્યો હતો. ખડસલીની ટીમના ખેલાડીઓએ શરૂઆતથી જ આક્રમક અને શિસ્તબદ્ધ રમત દર્શાવીને વિરોધી ટીમોને પડકાર આપ્યો હતો. અંતે ખડસલીની ટીમ વિજેતા બની હતી.

જ્યારે ઓપન કબડ્ડી સ્પર્ધામાં SKGK અને ખડસલી લાયન્સ વચ્ચે ફાઇનલ મુકાબલો રમાયો હતો. બંને ટીમો વચ્ચે ભારે રોમાંચક ટક્કર જોવા મળી હતી. ખેલાડીઓએ અંતિમ ક્ષણ સુધી જીત માટે જોરદાર પ્રયાસો કર્યા હતા. ફાઇનલ મુકાબલામાં ખડસલી લાયન્સની ટીમ રનર્સઅપ રહી હતી.

ખડસલી લાયન્સની ટીમ હવે સાવરકુંડલા તાલુકાનું પ્રતિનિધિત્વ કરીને જિલ્લા કક્ષાની કબડ્ડી સ્પર્ધામાં ભાગ લેશે. ખેલાડીઓની આ સિદ્ધિને લઈને ખડસલી ગામમાં આનંદની લાગણી જોવા મળી રહી છે.

ખેલ મહાકુંભ જેવી સ્પર્ધાઓ દ્વારા ગ્રામ્ય વિસ્તારના યુવા ખેલાડીઓને પોતાની પ્રતિભા દર્શાવવા માટે મંચ મળી રહ્યો છે. આ સ્પર્ધામાં ખેલાડીઓનો ઉત્સાહ અને રમત પ્રત્યેનો જુસ્સો જોવા મળ્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande