
મહેસાણા, 29 સપ્ટેમ્બર (હિ.સ.) અંબાજી ભાદરવી પૂનમના મેળા દરમિયાન દર્શનાર્થે જતા પદયાત્રીઓની માર્ગ સલામતીને ધ્યાનમાં રાખી મહેસાણા પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી દ્વારા વિશેષ રોડ સેફ્ટી અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. 18 સપ્ટેમ્બરથી 24 સપ્ટેમ્બર 2026 દરમિયાન જિલ્લાના વિવિધ માર્ગો પર આરટીઓની ટીમોએ વાહન ચેકિંગ સાથે પદયાત્રીઓને માર્ગ સલામતી અંગે માર્ગદર્શન આપ્યું હતું.
મહેસાણા શહેર ઉપરાંત ગોઝારિયા-માનવ આશ્રમ ચોકડી, વિસનગર, વડનગર, ખેરાલુ અને સતલાસણા સહિતના માર્ગો પર પદયાત્રીઓ તથા તેમની સાથેના વાહનો પર રિફ્લેક્ટિવ રેડિયમ સ્ટીકર અને ટેપ લગાવવામાં આવ્યા હતા. ખાસ કરીને રાત્રિના સમયે પદયાત્રીઓ અને વાહનોની દ્રશ્યતા વધે તે માટે ટ્રેક્ટર, આઈસર, રિક્ષા અને અન્ય માલવાહક વાહનોના પાછળના ભાગે રિફ્લેક્ટિવ ટેપ લગાવાઈ હતી.
આરટીઓના ઇન્સ્પેક્ટરો દ્વારા પદયાત્રીઓને રસ્તાની સલામત બાજુએ ચાલવા અને રાત્રિના સમયે રિફ્લેક્ટિવ સામગ્રીનો ઉપયોગ કરવા સમજ આપવામાં આવી હતી. વાહનચાલકોને પણ ગતિ નિયંત્રિત રાખવા, સલામત અંતર જાળવવા અને ટ્રાફિક નિયમોનું પાલન કરવા માર્ગદર્શન અપાયું હતું.
આ ઉપરાંત મહેસાણા RTOની વિવિધ ટીમો દ્વારા જિલ્લાના મુખ્ય માર્ગો પર વાહન ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેમાં વાહનોની ફિટનેસ, જરૂરી દસ્તાવેજો તથા માર્ગ સલામતીના નિયમોના પાલનની ચકાસણી કરવામાં આવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR