
મહેસાણા, 29 સપ્ટેમ્બર (હિ.સ.) નિયામક આયુષની કચેરી ગાંધીનગર અને જિલ્લા આયુર્વેદ અધિકારી, મહેસાણાના માર્ગદર્શન હેઠળ સરકારી આયુર્વેદ દવાખાનું હીરપુરા દ્વારા પોષણ માસની ઉજવણી અંતર્ગત આંગણવાડી ખાતે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે બાળકો માટે ચિત્ર સ્પર્ધા યોજવામાં આવી હતી અને બાળકોને સ્વચ્છતા તથા પોષણ અંગે માહિતી આપવામાં આવી હતી.
ચિત્ર સ્પર્ધા દરમિયાન બાળકોએ વિવિધ વિષયો પર ચિત્રો દોરી પોતાની સર્જનાત્મકતા રજૂ કરી હતી. આયુર્વેદ વિભાગના કર્મચારીઓ દ્વારા બાળકોને વ્યક્તિગત સ્વચ્છતા, સ્વચ્છ વાતાવરણ અને સ્વસ્થ જીવનશૈલીના મહત્વ વિશે સમજાવવામાં આવ્યું હતું. સાથે જ દૈનિક આહારમાં પૌષ્ટિક અને સંતુલિત ખોરાકનો સમાવેશ કરવો જરૂરી હોવાનું જણાવાયું હતું.
બાળકોને વિવિધ પોષક તત્વો ધરાવતા ખોરાક, ફળો અને શાકભાજીનું સેવન તેમજ સ્વચ્છ પાણી પીવા અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. નાની ઉંમરથી જ સ્વચ્છતા અને પોષણ અંગેની સારી ટેવો વિકસે તે માટે બાળકો સાથે સરળ ભાષામાં સંવાદ કરવામાં આવ્યો હતો.
પોષણ માસ અંતર્ગત યોજાયેલી આ પ્રવૃત્તિમાં આંગણવાડીના બાળકો અને કાર્યકરોએ ભાગ લીધો હતો. કાર્યક્રમનો હેતુ બાળકોમાં સ્વચ્છતા અને પોષણ અંગે જાગૃતિ લાવવા સાથે આરોગ્યપ્રદ જીવનશૈલી તરફ પ્રેરિત કરવાનો હતો.
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR