
મહેસાણા, 29 સપ્ટેમ્બર (હિ.સ.) ઉંઝા નગરપાલિકા અને ઉંઝા નગર મહિલા સંગઠનના સંયુક્ત ઉપક્રમે શ્રી સરદાર વલ્લભભાઈ ટાઉન હોલ ખાતે ‘જન જાગૃતિ મહોત્સવ’નું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહિલાઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.
મહોત્સવનો હેતુ ઉંઝાને સ્વસ્થ, સ્વચ્છ, પ્લાસ્ટિકમુક્ત અને હરિત શહેર બનાવવા માટે નાગરિકોમાં જાગૃતિ લાવવાનો હતો. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહિલાઓ અને નાગરિકોએ સ્વચ્છતા, આરોગ્ય અને પર્યાવરણ સંરક્ષણ અંગે સામૂહિક સંકલ્પ લીધો હતો. પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવા, પાણીના સ્ત્રોતોને સ્વચ્છ રાખવા, પોષણ અને આરોગ્ય અંગે જાગૃતિ વધારવા સહિતના મુદ્દાઓ પર ભાર મૂકવામાં આવ્યો હતો.
આ પ્રસંગે ઉંઝા નગરના કુપોષિત બાળકોને પોષ્ટિક આહાર કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. બાળકોના પોષણ અને આરોગ્યમાં સુધારો લાવવા તેમજ વાલીઓમાં પોષણ અંગે જાગૃતિ લાવવાના હેતુથી આ પહેલ કરવામાં આવી હતી.
મહોત્સવમાં મોટી સંખ્યામાં મહિલાઓએ એકસાથે સ્વચ્છતા, સ્વાસ્થ્ય અને પર્યાવરણ જાળવણી માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. કાર્યક્રમના અંતે ઉંઝાને સ્વસ્થ, સ્વચ્છ અને હરિત નગર બનાવવા નગરજનોને સહભાગી બનવા અપીલ કરવામાં આવી હતી.
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR