
મહેસાણા, 29 સપ્ટેમ્બર (હિ.સ.) રાજ્યભરમાં ‘પોષણ માહ-2026’ની ઉજવણી અંતર્ગત મિલેટ્સ અને સ્થાનિક પૌષ્ટિક આહારને પ્રોત્સાહન આપવા તેમજ જંકફૂડના વધુ પડતા સેવન સામે જાગૃતિ લાવવા વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે. ‘આપણી આંગણવાડી, આપણી જવાબદારી’ની ભાવના સાથે યોજાઈ રહેલા આ અભિયાનમાં બાળકો, વાલીઓ અને સમુદાયને પોષણ અંગે માહિતગાર કરવામાં આવી રહ્યા છે.
પોષણ માહ દરમિયાન રાજ્યભરમાં 2.43 કરોડથી વધુ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હોવાનું જણાવાયું છે. અભિયાન અંતર્ગત બાળકના પ્રથમ 1000 દિવસ દરમિયાન યોગ્ય પોષણ અને સંભાળ, નિયમિત વજન તથા ઊંચાઈ માપન અને કુપોષણની ઓળખ પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. આ સાથે ‘પોષણ સંગમ’ના માધ્યમથી વિવિધ વિભાગો વચ્ચે સંકલન કરી કુપોષણ સામે કામગીરી કરવામાં આવી રહી છે.
મિલેટ્સ જેવા પૌષ્ટિક ધાન્ય, સ્થાનિક સ્તરે ઉપલબ્ધ ખાદ્યપદાર્થો, ફળો અને શાકભાજીના ઉપયોગ અંગે પણ લોકોને માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. બીજી તરફ પેકેટબંધ અને જંકફૂડના વધુ પડતા સેવનથી દૂર રહેવા બાળકો અને વાલીઓને સમજાવવામાં આવી રહ્યા છે.
આ અભિયાનમાં આરોગ્ય, પંચાયત, ગ્રામ વિકાસ અને શિક્ષણ વિભાગ સહિતના વિભાગો દ્વારા વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. મહિસાગર, વલસાડ, પાટણ, આણંદ અને મહેસાણા જિલ્લાઓમાં પોષણલક્ષી કામગીરીમાં નોંધપાત્ર ભાગીદારી નોંધાઈ હોવાનું જણાવાયું છે.
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR