
મહેસાણા, 29 સપ્ટેમ્બર (હિ.સ.) RTO મહેસાણા દ્વારા 25 સપ્ટેમ્બર 2026ના રોજ ITI વિજાપુર ખાતે રોડ સેફ્ટી જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો હેતુ વિદ્યાર્થીઓ અને ઉપસ્થિત લોકોને ટ્રાફિક નિયમોનું પાલન, સલામત વાહનચાલન અને માર્ગ અકસ્માતો અટકાવવા અંગે જાગૃત કરવાનો હતો.
કાર્યક્રમ દરમિયાન વાહન ચલાવતી વખતે હેલ્મેટ અને સીટબેલ્ટનો ફરજિયાત ઉપયોગ કરવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ટ્રાફિક સિગ્નલનું પાલન, વાહનની ઝડપ નિયંત્રિત રાખવી, વાહન ચલાવતી વખતે મોબાઇલ ફોનનો ઉપયોગ ન કરવો અને રસ્તા પર અન્ય વાહનચાલકોની સુરક્ષાનું ધ્યાન રાખવા સહિતના મુદ્દાઓ સમજાવવામાં આવ્યા હતા.
RTOના અધિકારીઓ દ્વારા રોડ સેફ્ટીના નિયમોનું પાલન કરવાથી અકસ્માતનું જોખમ ઘટાડી શકાય છે અને પોતાની સાથે અન્ય લોકોની સુરક્ષા પણ જાળવી શકાય છે તે અંગે વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા. ખાસ કરીને યુવાનો વાહન ચલાવતી વખતે નિયમોનું પાલન કરે અને બેદરકારીપૂર્વક ડ્રાઇવિંગથી દૂર રહે તે અંગે સમજ આપવામાં આવી હતી.
કાર્યક્રમના અંતે ઉપસ્થિત સૌએ માર્ગ સલામતીના નિયમોનું પાલન કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓમાં ટ્રાફિક નિયમો અને રોડ સેફ્ટી અંગે જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR