
ભાવનગર, 29 સપ્ટેમ્બર (હિ.સ.)ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે તળાજા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન બે દેશી બનાવટના તમંચા સાથે બે શખ્સોને ઝડપી પાડ્યા હતા. બંને પાસેથી મળી આવેલા હથિયારો સહિત કુલ રૂ.10 હજારનો મુદ્દામાલ કબજે કરી વધુ કાર્યવાહી માટે તળાજા પોલીસને સોંપવામાં આવ્યા હતા.
મળતી માહિતી મુજબ, લોકલ ક્રાઇમ બ્રાન્ચનો પોલીસ સ્ટાફ તળાજા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે, દિહોર જવાના રોડ પર લાકડીયાના રોડ પાસે બે શખ્સો દેશી બનાવટના તમંચા સાથે ઉભા છે. બાતમીના આધારે પોલીસે સ્થળ પર તપાસ હાથ ધરી હતી.
તપાસ દરમિયાન દિલીપ ઉર્ફે સુખો બાલાભાઈ મકવાણા અને દીપક ઉર્ફે દીપભાઈ ભુપતભાઈ લાધવા મળી આવ્યા હતા. પોલીસે બંનેની અટકાયત કરી તેમની પાસેથી દેશી બનાવટના બે તમંચા કબજે કર્યા હતા.
પકડાયેલા આરોપીઓમાં દિલીપ ઉર્ફે સુખો બાલાભાઈ મકવાણા, ઉંમર 39 વર્ષ, વ્યવસાયે મજૂરી, રહે. ખોડીયાર મંદિર પાસે, દિહોર, તાલુકો તળાજા અને દીપક ઉર્ફે દીપભાઈ ભુપતભાઈ લાધવા, ઉંમર 34 વર્ષ, વ્યવસાયે મજૂરી, રહે. ઝાંઝમેર રોડ, પીથલપુર, તાલુકો તળાજાનો સમાવેશ થાય છે.
પોલીસે કબજે કરેલા મુદ્દામાલમાં લોખંડની ધાતુના સિંગલ બેરલવાળા દેશી બનાવટના બે તમંચાનો સમાવેશ થાય છે. બંને હથિયારો લાકડાની પટ્ટીઓમાં ફિટ કરાયેલા હોવાનું જણાવાયું છે. તમંચાની બેરલની લંબાઈ આશરે 6.5 ઈંચ અને બટની લંબાઈ 3.25 ઈંચ છે. પોલીસે બંને તમંચા સહિત રૂ.10,000નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA