ઉમરાળા પોલીસે, નશાકારક પ્રવાહી વેચતા બે શખ્સોને ઝડપી પાડ્યા
ભાવનગર, 29 સપ્ટેમ્બર (હિ.સ.)ભાવનગર જિલ્લાના જાહેર આરોગ્યને નુકસાન પહોંચાડી શકે તેવા નશાકારક પ્રવાહીનું ગેરકાયદેસર વેચાણ કરવાના આરોપસર ઉમરાળા પોલીસે બે શખ્સોને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસને બાતમી મળી હતી કે, ઉમરાળા તાલુકાના રંઘોળા ગા
નશા કારક પ્રવાહીનું વેચાણ કરતા ઝડપાયેલ આરોપી


ભાવનગર, 29 સપ્ટેમ્બર (હિ.સ.)ભાવનગર જિલ્લાના જાહેર આરોગ્યને નુકસાન પહોંચાડી શકે તેવા નશાકારક પ્રવાહીનું ગેરકાયદેસર વેચાણ કરવાના આરોપસર ઉમરાળા પોલીસે બે શખ્સોને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસને બાતમી મળી હતી કે, ઉમરાળા તાલુકાના રંઘોળા ગામના કુબેલિયાપરા વિસ્તારમાં રહેતો કિરણભાઈ કાળુભાઈ ધોળકીયા મજૂર વસાહતોમાં રહેતા મજૂરો તેમજ ગ્રામ્યજનોને દારૂ જેવો નશો ચડે તેવી બોટલોનું વેચાણ કરે છે. બાતમીના આધારે પોલીસે દરોડો પાડતા કિરણભાઈ પાસેથી 70 જેટલી બોટલો મળી આવી હતી. તપાસ દરમિયાન આ બોટલોમાં ઉચ્ચ પ્રમાણમાં આલ્કોહોલિક કન્ટેન્ટ ધરાવતું પ્રવાહી હોવાનું સામે આવ્યું હતું.

પોલીસના જણાવ્યા મુજબ બોટલોમાં ઇથાઇલ આલ્કોહોલનું પ્રમાણ 59.527 ટકા V/V હતું તેમજ ડાયઇથાઇલ થેલેટ જેવા ઝેરી ઘટકનું મિશ્રણ હોવાનું જાણવા મળ્યું હતું. આ પ્રવાહી કોસ્મેટિક ઉપયોગ માટે બનાવવામાં આવતું હોવાનું અને બોટલ પર ‘પીવા માટે હાનિકારક’ તથા ‘External Use Only’ની ચેતવણી લખેલી હોવા છતાં તેનો દારૂની અવેજીમાં ઉપયોગ થતો હોવાનો પોલીસનો દાવો છે.

આ મામલે ઉમરાળા પોલીસ સ્ટેશનમાં BNSની કલમ 123, 61(2) તેમજ પ્રોહિબિશન એક્ટની કલમ 65AA, 67A અને 81 હેઠળ ગુનો નોંધાયો છે. પોલીસે કિરણભાઈ કાળુભાઈ ધોળકીયા અને જીગ્નેશભાઈ સવજીભાઈ માણીયાની ધરપકડ કરી છે. પોલીસે કુલ 70 બોટલ, કિંમત રૂ. 2,100નો મુદ્દામાલ કબજે કર્યો છે.

પોલીસે જણાવ્યું કે, આવા પ્રવાહીના સેવનથી આરોગ્યને ગંભીર નુકસાન થવાની શક્યતા રહે છે. જાહેર જનતાને નશાકારક પદાર્થોથી દૂર રહેવા અને આવા પદાર્થોના વેચાણ કે સંગ્રહ અંગે પોલીસને જાણ કરવા અપીલ કરવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande