દીકરીઓનો અંગ્રેજીનો ડર દૂર કરવા માટે એ.આઈ. નો ઉપયોગ કરતા ગુજરાતના શિક્ષિકા હેતલ રાણા
- હેતલ રાણાની શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક – 2026 માટે પસંદગી ગાંધીનગર, 03 સપ્ટેમ્બર (હિ.સ.) ગુજરાતની એક સરકારી શાળામાં ગ્રીન સ્ક્રીન એ માત્ર ટેકનોલોજી નથી, પણ દીકરીઓ માટે અંગ્રેજી શીખવાનો મંચ છે. અહીં દીકરીઓ આત્મવિશ્વાસ સાથે અંગ્રેજી બોલે છે, અભિનય ક
શિક્ષિકા હેતલબહેન રાણા


શિક્ષિકા હેતલબહેન રાણા


- હેતલ રાણાની શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક – 2026 માટે પસંદગી

ગાંધીનગર, 03 સપ્ટેમ્બર (હિ.સ.) ગુજરાતની એક સરકારી શાળામાં ગ્રીન સ્ક્રીન એ માત્ર ટેકનોલોજી નથી, પણ દીકરીઓ માટે અંગ્રેજી શીખવાનો મંચ છે. અહીં દીકરીઓ આત્મવિશ્વાસ સાથે અંગ્રેજી બોલે છે, અભિનય કરે છે અને શીખે છે.

ભરૂચની મનુબર પ્રાથમિક કન્યા શાળાના એક વર્ગખંડમાં દીકરીઓ ગ્રીન સ્ક્રીનની સામે ઊભી થાય છે અને અંગ્રેજીમાં બોલવાનું શરૂ કરે છે.થોડી જ મિનિટો બાદ આ જ દીકરીઓ કાર્ટૂન પાત્રો સાથે કે કોઈ અલગ સ્થળના દૃશ્યમાં જોવા મળે છે. આ બધું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને વીડિયો બનાવતી એપ્લિકેશન્સની મદદથી શક્ય બન્યું છે. અને આ પ્રયોગ કરી રહ્યા છે શાળાના ભાષા-શિક્ષિકા હેતલબેન રાણા.

હેતલબેન માટે ટેકનોલોજી એ ભણતરને રસપ્રદ બનાવવાનું સાધન નથી. પણ અંગ્રેજી શીખતી વખતે બાળકોના સંકોચને દૂર કરવાનો એક રસ્તો પણ છે.

હેતલબહેનની આ જ પહેલના કારણે ગુજરાત સરકારના ‘શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતોષિક-2026’ માટે તેમની પસંદગી કરવામાં આવી છે.

દર વર્ષે 5 સપ્ટેમ્બરે શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર શિક્ષકોને આ સન્માન આપવામાં આવે છે. હેતલબેન માટે આ સન્માન તેમના બે દાયકાની શિક્ષણયાત્રાનો પડાવ છે. તેમની આ સફરની શરૂઆત તેમની પોતાની માતાની પ્રેરણાથી થઈ હતી.માતાને જોઈને શિક્ષક બનવાનું સપનું તેમણે સેવ્યું હતું.

હેતલબેનની માતા પણ શિક્ષિકા હતાં. બાળપણથી જ તેઓ શાળાના વાતાવરણથી પ્રભાવિત હતાં.ખાસ કરીને શિક્ષકો ચિત્રો દ્વારા બાળકોને જે રીતે સમજાવતા હતા તે તેમને ખૂબ ગમતું હતું. હેતલબેન કહે છે, “મને શાળાનું વાતાવરણ અને શિક્ષકોની ચિત્રો દ્વારા ભણાવવાની પદ્ધતિ ખૂબ ગમતી હતી.

આ અનુભવથી જ તેમના મનમાં શિક્ષક બનવાનું સપનું ઊભું થયું.વર્ષ 2007માં તેમણે નેત્રંગ તાલુકાની કન્યા શાળામાં વિદ્યાસહાયક તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી.નોકરીની સાથે તેમણે અભ્યાસ પણ ચાલુ રાખ્યો અને અંગ્રેજી વિષયમાં અનુસ્નાતકની પદવી મેળવી.વર્ષ 2013માં તેઓ પ્રાથમિક વિભાગમાં અંગ્રેજી અને ભાષા શિક્ષક તરીકે જોડાયા.

છેલ્લા 12 વર્ષથી તેઓ મનુબર પ્રાથમિક કન્યા શાળામાં શિક્ષણ આપી રહ્યાં છે. સમયની સાથે તેમનો વર્ગખંડ પરંપરાગત શિક્ષણની સાથે ડિજિટલ ટેકનોલોજીના નવા પ્રયોગો માટે પણ જાણીતો બન્યો છે.AIની મદદથી જ્ઞાન સાથે ગમ્મતના પ્રયોગ કર્યો હતો.

હેતલબેનના એક પ્રયોગમાં Wordwall અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી શૈક્ષણિક રમતો તૈયાર કરવામાં આવી છે.તેમના જણાવ્યા મુજબ, અગાઉ આવી રમત તૈયાર કરવામાં અનેક કલાકો લાગતા હતા. હવે AIની મદદથી માત્ર એક મિનિટમાં વિષય આધારિત રમત તૈયાર કરી શકાય છે.

આ નવીન પ્રયોગની ઝોન કક્ષાએ પસંદગી થઈ છે અને ગુજરાતના વિવિધ જિલ્લાઓની શાળાઓમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓ આ ડિજિટલ રમતોનો ઉપયોગ કરી રહ્યા છે.

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, વાંચન અને લેખનમાં મુશ્કેલી અનુભવતા બાળકો માટે તેમણે ‘ક’ થી ‘જ્ઞ’ સુધીના મૂળાક્ષરો આધારિત FLN ડિજિટલ ગેમ્સ પણ બનાવી છે. આ ડિજિટલ રમતોમાં ‘લીડર બોર્ડ’ની સુવિધા હોવાથી વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ વચ્ચે તંદુરસ્ત સ્પર્ધા પ્રોત્સાહિત થઈ છે. આ ઉપરાંત, ડાયટ કક્ષાએ માસ્ટર ટ્રેનરને આરપી તરીકે તાલીમ આપતી વખતે પણ તેમનું આ ડિજિટલ કન્ટેન્ટ અન્ય શિક્ષકો માટે ખૂબ ઉપયોગી સાબિત થઈ રહ્યું છે. આ ઉપરાંત GCERT દ્વારા પ્રકાશિત સામયિક “જીવન શિક્ષણ” મા શિક્ષણમાં નવીનતા અંગેના પ્રેરણાદાયી 3 લેખ પ્રકાશિત થયેલ છે સાથે જ NCERT મોડયુલ MOTHERS OF DEMOCRACY ના ૪ પુસ્તકનું ભાવાનુવાદ કાર્યમાં યોગદાન આપેલ છે. ઓનલાઇન ડિજિટલ પ્લેટફોર્મ “દિક્ષા app” મા “ભરૂચ જિલ્લાની સ્થાનિક લોકબોલી” આધારિત કોર્સ તૈયાર કરવા માટે કોર્સ ટીમમા યોગદાન આપ્યુ જે કોર્સ આજે દિક્ષા ઓનલાઇન પ્લેટફોર્મ પર રાજ્યના શિક્ષકો માટે ઉપલબ્ધ છે.

હેતલબેનનો સૌથી અલગ પ્રકારનો પ્રયોગ વર્ષ 2022-23માં શરૂ થયો.તેમનો હેતુ હતો કે, વિદ્યાર્થીઓ અંગ્રેજી બોલવામાં વધુ આત્મવિશ્વાસ અનુભવે.આ માટે તેમણે વર્ગખંડના એક ભાગને જ એક નાના ફિલ્મ સ્ટુડિયોમાં ફેરવી નાખ્યો.ગ્રીન સ્ક્રીન લગાવવામાં આવી અને દીકરીઓને તેની સામે ઊભા રહીને અંગ્રેજીમાં બોલવા અને અભિનય કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી.

ત્યારબાદ Plotagon અને Arloopa જેવી એપ્લિકેશન્સ અને AIની મદદથી ગ્રીન બેકગ્રાઉન્ડ દૂર કરવામાં આવતો અને તેની જગ્યાએ કાર્ટૂન પાત્રો અથવા અલગ-અલગ આકર્ષક દૃશ્યો મૂકવામાં આવતાં.વિદ્યાર્થીઓ માટે અંગ્રેજી બોલવું હવે વર્ગખંડમાં પ્રશ્નનો જવાબ આપવા જેવું નહોતું લાગતું. તે એક નાનકડા અભિનયનો ભાગ બની ગયું હતું.તેમની આ પદ્ધતિની મદદથી દીકરીઓને વ્યક્તિ અને સ્થળ વિશે અંગ્રેજીમાં વાક્યો બનાવવાનું આસાન લાગ્યું.

હેતલબેન માને છે કે, બદલાતા સમયની સાથે શિક્ષકોએ પણ સતત પોતાને અપડેટ કરતા રહેવું જોઈએ.તેમના શબ્દોમાં, “આજે AIનો યુગ છે. જો ટેકનોલોજીની મદદથી કલાકોનું કામ માત્ર એક મિનિટમાં પૂર્ણ થઈ શકે, તો આપણે તેનો સકારાત્મક રીતે સ્વીકાર કરવો જોઈએ અને નવી પેઢીને ભવિષ્ય માટે સક્ષમ બનાવવી જોઈએ.

તેમના મતે AI શિક્ષકનો વિકલ્પ નથી.

તે એક એવું સાધન છે, જે શિક્ષણને વધુ સરળ, રસપ્રદ અને બાળકો માટે અનુકૂળ બનાવી શકે.

શિક્ષણની સાથે શાળાના વિકાસમાં પણ યોગદાન હેતલબેનનું કામ માત્ર વર્ગખંડ પૂરતું મર્યાદિત નથી. ગ્રામજનો અને વિદેશમાં વસતા ગ્રામજનોના સહયોગથી તેમણે શાળામાં વોટર ફિલ્ટર પ્લાન્ટની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં મદદ કરી.

ગ્રામ પંચાયતના સહયોગથી શાળામાં બ્લોક અને શેડનું નિર્માણ પણ કરવામાં આવ્યું. આ ઉપરાંત શાળાના પરિસરમાં ફળાઉ વૃક્ષોનું વાવેતર કરીને પર્યાવરણ જાળવણી માટે પણ તેમણે પ્રયાસ કર્યો છે. તેમની કામગીરીને કારણે મનુબર શાળાના સ્ટાફ, ગ્રામજનો અને સમગ્ર ભરૂચના શિક્ષણ પરિવાર માટે તેમની પસંદગી ગૌરવની બાબત બની છે.

હેતલબેનને મળેલું ‘શ્રેષ્ઠ શિક્ષક’નું સન્માન તેમની કામગીરીને પ્રાપ્ત થયેલી સત્તાવાર ઓળખ છે. પરંતુ તેમની આ કહાની માત્ર એક પુરસ્કારની નથી. આ કહાની શિક્ષણ ક્ષેત્રના પરિવર્તનની છે, જે એક વર્ગખંડમાં જોવા મળી રહી છે.

હેતલબહેનના પ્રયોગોના કારણે જે દીકરી ક્યારેક અંગ્રેજીમાં બોલતાં સંકોચ અનુભવતી હતી, તે આજે કેમેરાની સામે ઊભી રહીને અંગ્રેજીમાં પોતાની વાત રજૂ કરે છે અને પછી પોતાને એક ડિજિટલ દુનિયાનો ભાગ બનેલી જોઈ શકે છે.વીડિયો તૈયાર થયા પછી ગ્રીન સ્ક્રીન અદ્રશ્ય થઈ જાય છે, પણ ગ્રીન સ્ક્રીને જે આત્મવિશ્વાસ ઊભો કર્યો છે, તે વિદ્યાર્થીનીઓ સાથે રહે છે.

હેતલબેન માટે સરકારી શાળાના વર્ગખંડમાં AI અને ટેકનોલોજી લાવવાનો હેતુ પરંપરાગત શિક્ષણને બદલવાનો નથી, પરંતુ બાળકોને શીખવાની નવી રીતો પ્રદાન કરવાનો અને તેમની આત્મવિશ્વાસ-વૃદ્ધિનો છે.

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande