બાંગ્લાદેશના લેક સિટી રંગામતીમાં વરસાદનો કહેર, કપતાઈ તળાવ પર બનેલો હેંગિંગ બ્રિજ ડૂબી ગયો
ઢાકા (બાંગ્લાદેશ), નવી દિલ્હી, 03 સપ્ટેમ્બર (હિ.સ.). દેશમાં લેક સિટી તરીકે જાણીતા અને મુખ્ય પર્યટન સ્થળ રંગામતીમાં કપતાઈ તળાવ પર બનેલો હેંગિંગ બ્રિજ (ઝૂલતો પુલ) ડૂબી ગયો છે. ઘણા દિવસોના ભારે વરસાદ અને પહાડીઓમાંથી આવેલા પાણીને કારણે કપ્તાઈ તળાવનું જ
બાંગ્લાદેશનો  હેંગિંગ બ્રિજ


ઢાકા (બાંગ્લાદેશ), નવી દિલ્હી, 03 સપ્ટેમ્બર (હિ.સ.). દેશમાં લેક સિટી તરીકે જાણીતા અને મુખ્ય પર્યટન સ્થળ રંગામતીમાં કપતાઈ તળાવ પર બનેલો હેંગિંગ બ્રિજ (ઝૂલતો પુલ) ડૂબી ગયો છે. ઘણા દિવસોના ભારે વરસાદ અને પહાડીઓમાંથી આવેલા પાણીને કારણે કપ્તાઈ તળાવનું જળસ્તર ઝડપથી વધ્યું છે. બાંગ્લાદેશ પર્યટન નિગમે સુરક્ષા કારણોસર પુલની આસપાસ જવા પર પ્રતિબંધ મૂક્યો છે. પ્રવેશદ્વાર પર લાલ ઝંડો લગાવીને વાંસની બેરિકેડિંગ કરવામાં આવી છે. રંગામતી દેશના દક્ષિણ-પૂર્વીય ભાગમાં ચટગાંવ ડિવિઝનમાં આવે છે.

ઢાકા ટ્રિબ્યુનના અહેવાલ મુજબ, પુલ બંધ થઈ જવાથી માહિતીના અભાવે પહોંચી રહેલા પર્યટકોને નિરાશાનો સામનો કરવો પડી રહ્યો છે. આનાથી સ્થાનિક પર્યટન ઉદ્યોગને પણ ફટકો પડ્યો છે. આ તળાવ બાંગ્લાદેશનું સૌથી મોટું કૃત્રિમ (માનવ નિર્મિત) તળાવ છે. તે કર્ણફુલી નદી પર બનેલા કપ્તાઈ બંધને કારણે અસ્તિત્વમાં આવ્યું. 335 ફૂટ લાંબા આ સુંદર પુલને રંગામતી પર્યટનનું મુખ્ય પ્રતીક માનવામાં આવે છે. આ પુલ તળાવની વચ્ચે સ્થિત બે પહાડીઓને જોડે છે.

પુલ બંધ થઈ જવાથી સ્થાનિક બોટ ટર્મિનલ પર એન્જિનવાળી 100થી વધુ બોટ નકામી ઊભી છે. પરંપરાગત કપડાં, ટેક્સટાઇલ અને હસ્તકલા વેચતી દુકાનો પણ ગ્રાહકો વિના સૂની પડી છે. કેટલાક વેપારીઓનું કહેવું છે કે વેચાણ લગભગ શૂન્ય થઈ ગયું છે. સ્થાનિક બોટ ઓનર્સ એસોસિએશનના લીઝ હોલ્ડર મોહમ્મદ ફખરુલ ઇસ્લામે જણાવ્યું કે આ સમય તેમની આજીવિકા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.

તેમણે કહ્યું, આ સિઝનમાં આવતા પર્યટકોને કારણે અમારા પરિવારોનો આખા વર્ષનો ખર્ચ ચાલે છે. પરંતુ પુલ ડૂબી ગયા પછી અમારી કમાણી સંપૂર્ણપણે બંધ થઈ ગઈ છે. જો પરિસ્થિતિ આવી જ રહી, તો અમને ભારે આર્થિક નુકસાન ભોગવવું પડશે. હોટેલ માલિક મોહમ્મદ સુમન મિયાએ જણાવ્યું કે હેંગિંગ બ્રિજ રંગામતી આવતા પર્યટકો માટે મુખ્ય આકર્ષણોમાંનો એક છે. તેમણે કહ્યું, ઘણા પર્યટકો પુલ જોવા માટે જ રંગામતી આવે છે. તેના ડૂબી ગયા પછી દરરોજ હોટેલ બુકિંગ રદ થઈ રહ્યા છે. પર્યટકોની સંખ્યામાં ઘટાડાથી હોટેલો, મોટેલો અને રેસ્ટોરન્ટ્સને નુકસાન થઈ રહ્યું છે.

રંગામતી ટુરિઝમ કોર્પોરેશનના મેનેજર આલોક વિકાસ ચકમાએ જણાવ્યું કે, ભારે વરસાદ અને પહાડીઓમાંથી વહીને આવેલા પાણીને કારણે કપ્તાઈ તળાવનું જળસ્તર વધી ગયું, જેનાથી પુલ પાણીમાં ડૂબી ગયો. તેમણે કહ્યું, પર્યટકોની સુરક્ષા માટે અમે લાલ ઝંડા લગાવી દીધા છે અને વાંસના બેરિયર લગાવીને રસ્તો બંધ કરી દીધો છે. રંગામતી જિલ્લા પરિષદના ચેરમેન દીપન તાલુકદાર દીપુએ જણાવ્યું કે, એક નવા પુલના નિર્માણ માટે પહેલાથી જ સર્વે કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું, અમને આશા છે કે વધુ ઊંચાઈ પર એક નવા, આધુનિક પુલનું નિર્માણ જલ્દી જ શરૂ થઈ જશે.

હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande