
ગાંધીનગર, 03 સપ્ટેમ્બર (હિ.સ.) : ગત ૨૯ ઑગસ્ટે સવારે એક ૩૬ વર્ષીય પુરુષ દર્દીને પેટના ભાગે ચાકુના ગંભીર ઘા વાગેલી અત્યંત ગંભીર હાલતમાં તાત્કાલિક સારવાર વિભાગમાં લાવવામાં આવ્યા હતા. દર્દીએ માનસિક અસંતુલન હોવાના કારણે પોતાના જ પેટમાં ચાકુ મારી દીધું હતું, જેના કારણે પેટની આગળની દીવાલને ગંભીર નુકસાન પહોંચ્યું હતું. દર્દી ભાનમાં હોવાથી સ્થિતિની ગંભીરતા જોઈને સિવિલ હોસ્પિટલની સર્જરી અને એનેસ્થેસિયા ટીમે ક્ષણનો પણ વિલંબ કર્યા વિના માત્ર ૪૫ મિનિટમાં, એટલે કે સવારે ૯:૩૦ વાગ્યે દર્દીને ઓપરેશન થિયેટરમાં લઈ તાત્કાલિક શસ્ત્રક્રિયા શરૂ કરી દીધી હતી.
આશરે દોઢ થી બે કલાક સુધી ચાલેલી આ સુચારુ શસ્ત્રક્રિયામાં સર્જરી ટીમે પેટની દીવાલનું સફળતાપૂર્વક ઓપરેશન કર્યું હતું. સાથે સાથે ખોરાક માટે આંતરડામાં ખાસ નળી મૂકવામાં આવી અને અન્ય તમામ આંતરિક અંગોની ઝીણવટભરી ચકાસણી કરીને દર્દીની સ્થિતિ સંપૂર્ણ સલામત કરવામાં આવી હતી.
ઓપરેશન બાદ દર્દીને આઈસીયુ સર્વેલન્સમાં રાખવામાં આવ્યા હતા. તબીબો અને નર્સિંગ સ્ટાફની સતત દેખરેખ અને ગુણવત્તાસભર સારવારના પરિણામે દર્દીની સ્થિતિમાં ઝડપી સુધારો આવ્યો છે. પાંચથી છ દિવસની સઘન સારવાર બાદ દર્દી સંપૂર્ણપણે સ્ટ
સ્થિર થતાં હવે તેમને સામાન્ય વોર્ડમાં શિફ્ટ કરવામાં આવ્યા છે.
આ ઓપરેશન કરનાર નિષ્ણાત તબીબોની ટીમમાં ડો. નિયાતી લાખાણી, ડો. હિરેન પરમાર, ડો. અભિજીત યાદવ, ડો. રાહુલસિંઘ રાજપૂત, ડો. પાર્થ વેકરિયા, અને ડો. સ્મિત પટેલ તથા એનેસ્થેસિયા ટીમમાં ડો. હીના ગડાણી, ડો. હર્ષિલ શાહ, ડો. કૃપાલી, ડો. શિવાંગી, ડો. મીલી અને ડો. ભાવિન, તથા ડો. રોશની એ સેવા આપી હતી.
જાહેર રજાના દિવસે પણ તબીબોની તાત્કાલિક નિર્ણાયકતા, ઉત્કૃષ્ટ ટીમવર્ક અને ઈમરજન્સી સેવાની કટિબદ્ધતાને કારણે દર્દીને સમયસર જીવનદાન મળ્યું છે.
આ ઘટના સિવિલ હોસ્પિટલની તબીબી ક્ષમતા, ઝડપી નિર્ણયશક્તિ અને ઉત્કૃષ્ટ સેવા-ભાવનાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. જાહેર રજાના દિવસે પણ ઇમરજન્સી વિભાગની તત્પરતા અને સર્જરી તથા એનેસ્થેસિયા ટીમના યોગ્ય સામૂહિક પ્રયાસોથી એક અત્યંત જટિલ અને ગંભીર કેસને સમયસર ઉકેલીને દર્દીનો કિંમતી જીવ બચાવી શકાયો છે,સરકારી સિવિલ હોસ્પિટલ ઈમરજન્સી સ્થિતિમાં અનેકગણા પડકારો છતાં પણ અત્યાધુનિક અને ગુણવત્તાસભર સારવાર પૂરી પાડવા માટે હંમેશાં સજ્જ છે
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ