


- ફુલપૂરા અને લક્ષ્મી પોળના શીતળા માતાજીના મંદિરે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા
- ઉમરુંમાં પરંપરાગત મેળા સાથે ભજન-ગરબીના કાર્યક્રમો યોજાયા
પાટણ, 03 સપ્ટેમ્બર (હિ.સ.) : શ્રાવણ માસની શીતળા સાતમના પવિત્ર દિવસે સિદ્ધપુર શહેર અને આસપાસના વિસ્તારોમાં ધાર્મિક માહોલ જોવા મળ્યો હતો. શીતળા માતાજીના મંદિરોમાં વહેલી સવારથી જ દર્શન માટે શ્રદ્ધાળુઓની ભીડ ઉમટી પડતાં મંદિરો પરિસરમાં ભક્તિમય વાતાવરણ છવાયું હતું.
સિદ્ધપુરના ફુલપૂરા વિસ્તારમાં તેમજ લક્ષ્મી પોળ ખાતે આવેલા શીતળા માતાજીના મંદિરે મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા પહોંચ્યા હતા. શ્રદ્ધાળુઓએ માતાજીના દર્શન કરી સુખ-શાંતિ અને પરિવારની સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. મંદિરોમાં દિવસ દરમિયાન દર્શનાર્થીઓની લાંબી કતારો જોવા મળી હતી.
ઉમરું ગામમાં આવેલા નીલકંઠેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં પણ શીતળા માતાજીની આરાધનાને લઈને વિશેષ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. શ્રાવણ માસની રાંધણ છઠ્ઠના દિવસે અહીં શીતળા માતાજીના મંદિરે સિદ્ધપુરના ઔદિચ્ય સહસ્ર બ્રાહ્મણો દ્વારા હોમાત્મક યાગ કરવાની પરંપરા છે.
મંદિરની સ્થાપના બાદથી દર શ્રાવણ માસની સાતમે અહીં શીતળા માતાજીના મેળાનું આયોજન કરવામાં આવે છે. વર્ષોથી ચાલી આવતી આ ધાર્મિક પરંપરાને જાળવી રાખતાં આ વર્ષે પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતા.
ઉમરું ગામના ભગત મંડળ દ્વારા શીતળા સાતમના દિવસે ગરબી તેમજ ભજનનો કાર્યક્રમ યોજાયો હતો. ભક્તોએ ભજન-કીર્તન સાથે માતાજીની ભક્તિમાં લીન થઈ ધાર્મિક ઉત્સવની ઉજવણી કરી હતી.
આ પ્રસંગે વિવિધ સમાજના લોકો પણ શ્રદ્ધાપૂર્વક જોડાયા હતા. શ્રદ્ધાળુઓએ શીતળા માતાજીની બાધા અને માનતાઓ પૂર્ણ કરી પરિવારના સુખ, સમૃદ્ધિ અને આરોગ્ય માટે માતાજીના આશીર્વાદ મેળવ્યા હતા. શીતળા સાતમના પર્વે સિદ્ધપુર અને ઉમરુંમાં ભક્તિ અને પરંપરાનો અનોખો સંગમ જોવા મળ્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ