
ભાવનગર, 03 સપ્ટેમ્બર (હિ.સ.)મહુવા તાલુકાના ગઢડા ગામે ભાવનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એન.ડી.આર.એફ. ટીમના સહયોગથી જિલ્લા કક્ષાની વાવાઝોડા અંગે મોકડ્રીલ યોજવામાં આવી હતી. વાવાઝોડા જેવી કુદરતી આપત્તિ સમયે તંત્રની તૈયારીઓ અને બચાવ કામગીરીની ચકાસણી કરવા માટે આ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું.
મોકડ્રીલમાં વાવાઝોડા પહેલા, વાવાઝોડા દરમિયાન અને વાવાઝોડા બાદ એમ ત્રણ તબક્કામાં વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવતી વિવિધ કામગીરીનું જીવંત નિદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં આગોતરી ચેતવણી અને સંદેશાવ્યવહાર, લોકોને સુરક્ષિત આશ્રયસ્થાનમાં સ્થળાંતર, શોધ અને બચાવ કામગીરી તેમજ અસરગ્રસ્ત લોકોને પ્રાથમિક સારવાર આપવાની કામગીરીનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
મોકડ્રીલ પૂર્વે સંબંધિત અધિકારીઓ સાથે મહુવા મદદનીશ કલેક્ટર અને પ્રાંત અધિકારી સુસ્મિતા ઈપલ્લાપલ્લીની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી. બેઠકમાં વાવાઝોડા જેવી પરિસ્થિતિમાં વિવિધ વિભાગો વચ્ચે સંકલન જળવાઈ રહે અને જરૂરી કામગીરી ઝડપથી હાથ ધરી શકાય તે અંગે ચર્ચા કરવામાં આવી હતી.
મોકડ્રીલ દરમિયાન મહુવા મદદનીશ કલેક્ટર અને પ્રાંત અધિકારી, તાલુકા મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, ચીફ ઓફિસર, તાલુકા હેલ્થ ઓફિસર, પોલીસ સબ ઇન્સ્પેક્ટર, તલાટી-કમ-મંત્રી, સરપંચ, ગામના આગેવાનો તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
જિલ્લા કક્ષાના ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલના ડીપીઓ તેમજ એનડીઆરએફ ટીમના ઇન્સ્પેક્ટર પણ ટીમ સાથે હાજર રહ્યા હતા. મોકડ્રીલના માધ્યમથી આપત્તિના સમયે બચાવ અને રાહત કામગીરી માટેની તૈયારીઓનું પ્રાયોગિક મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA