

- સૌથી વધુ જોવા મળતાં દરિયાઈ સસ્તન પ્રાણીમાં ડોલ્ફિન અગ્રેસર: વન વિભાગનો અભ્યાસ
- ગીર ફાઉન્ડેશન દ્વારા તાજેતરમાં કરવામાં આવેલા અભ્યાસ દરમિયાન દક્ષિણ કચ્છના અખાતમાં દરિયાઇ પ્રાણીઓમાં સૌથી વધુ વખત ડોલ્ફિન જોવા મળી
- સંશોધકોને 64 વખત ડોલ્ફિન જોવા મળી, જેમાં 193 ડોલ્ફિનો હતી: અર્જુન મોઢવાડિયા
ગાંધીનગર, 03 સપ્ટેમ્બર (હિ.સ.) : દક્ષિણ કચ્છના અખાતમાં ડોલ્ફિન સૌથી વધુ જોવા મળતાં દરિયાઈ સસ્તન પ્રાણી તરીકે ઉભરી આવી છે. ગુજરાત વન વિભાગનાં ગીર ફાઉન્ડેશન દ્રારા ઓક્ટોબર 2023 થી ફેબ્રુઆરી 2025 દરમિયાન દક્ષિણ કચ્છનાં અખાતમાં આવેલા મરીન નેશનલ પાર્ક અને સેન્ચૂરી અને તેની આસપાસનાં વિસ્તારમાં એક સર્વેક્ષણ કરવામાં આવ્યુ હતુ. આ સર્વેક્ષણ દરમિયાન સંશોધકોને 64 વખત ડોલ્ફિનો જોવા મળી હતી અને કુલ 193 ડોલ્ફિન જોવા મળી.
આ અભ્યાસ ગુજરાત વન વિભાગ હેઠળની સ્વાયત્ત સંસ્થા ગુજરાત ઇકોલોજિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ (GEER) ફાઉન્ડેશન દ્વારા હાથ ધરવામાં આવ્યો હતો.
‘Status Survey of Dugong and Other Marine Mammals, and Ecological Assessment of Seagrass Habitats around Narara and Adjacent Islands, Gulf of Kachchh’ નામનો આ અભ્યાસ દેશના પ્રથમ દરિયાઈ સંરક્ષિત વિસ્તાર એવા મરીન નેશનલ પાર્ક અને મરીન સેન્ચુરી તથા તેની આસપાસના વિસ્તારોમાં કરવામાં આવ્યો હતો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ દેશે દરિયાઈ જૈવ-વિવિધતાના સંરક્ષણ માટે વિવિધ પગલાં લીધાં છે.
વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું કે, “મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ અમે આપણા કુદરતી વારસાના સંરક્ષણ માટે પ્રતિબદ્ધ છીએ. ગીર ફાઉન્ડેશનનાં વૈજ્ઞાનિકો દ્વારા હાથ ધરવામાં આવેલા તાજેતરના અભ્યાસે દરિયાઈ જૈવ-વિવિધતાનાં સંરક્ષણ માટેના અમારા સંકલ્પને વધુ મજબૂત બનાવ્યો છે.”
અર્જુન મોઢવાડિયાએ વધુમાં જણાવ્યું કે, “બોટ દ્વારા હાથ ધરાયેલા સર્વેક્ષણમાં પરવાળાના વિસ્તારો, ભરતી-ઓટના વિસ્તારો, ટાપુઓની સીમાઓ અને છીછરા દરિયાકાંઠાના વિસ્તારોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ સર્વે દરમિયાન કુલ 342 દરિયાઇ પ્રાણીઓ સાથે 177 વખત જળચર પ્રાણીઓ જોવા મળ્યા હતાં. સર્વે દરમિયાન નોંધાયેલા કુલ દરિયાઇ પ્રાણાઓમાં 36.2 ટકા હિસ્સો ડોલ્ફિનનો હતો. એટલે કે, આ સર્વેક્ષણ દરમિયાન તમામ દરિયાઇ પ્રાણીમાં સૌથી વધુ સંખ્યામાં ડોલ્ફન જોવા મળી હતી,’’.
વન અને પર્યાવરણ રાજ્યમંત્રી પ્રવિણ માળી એ અભ્યાસ માટે ગીર ફાઉન્ડેશનની ટીમ અને દરિયાઈ મોટાકદનાં પ્રાણીઓનાં સંરક્ષણ માટેના પગલાં બદલ વન વિભાગને અભિનંદન પાઠવ્યા હતા.
વન અને પર્યાવરણ વિભાગનાં અગ્ર સચિવ વિનોદ રાવે જણાવ્યું કે, “આ સર્વેક્ષણ કચ્છના અખાતમાં ડોલ્ફિન કયા વિસ્તારોનો ઉપયોગ કરે છે તેનું વિગતવાર ચિત્ર રજૂ કરે છે. નરારા રીફ ખાતે સૌથી વધુ 14 વખત ડોલ્ફિન જોવા મળી હતી. જેમાં 39 ડોલ્ફિનોનો સમાવેશ થાય છે. ત્યારબાદ ડેડકા–મુંડેકા ટાપુ સમૂહમાં 12 વખત જોવા મળી હતી તેમાં 41 ડોલ્ફિનો જોવા મળી હતી અને પિરોટન ટાપુ ખાતે 32 ડોલ્ફિનો જોવા મળી હતી. ધાણી ટાપુ ખાતે નવ વખતમાં 28 ડોલ્ફિનો જોવા મળી હતી. જ્યારે સિક્કાના દરિયાકાંઠાના વિસ્તારોમાં આઠ વખતમાં 26 ડોલ્ફિનો જોવા મળી હતી.”
“અમારા સંશોધકોએ જોયું કે, ડોલ્ફિન ખાસ કરીને પરવાળાના વિસ્તારો, ટાપુઓની કિનારીઓ, ભરતી-ઓટના વિસ્તારો અને ખુલ્લા પાણીવાળા સ્થળોએ જોવા મળી. આ વિસ્તારો ડોલ્ફિન માટે અવરજવરનાં માર્ગો તેમજ ખોરાક મેળવવા માટેના સમૃદ્ધ વિસ્તારો પૂરા પાડતા હોવાનું માનવામાં આવે છે. અખાતમાં મજબૂત ભરતી પ્રવાહો પોષક તત્ત્વોના મિશ્રણને પ્રોત્સાહન આપે છે અને માછલીઓને એકત્રિત કરી શકે છે, જેના કારણે સમૂહમાં રહેતી માછલીઓનો શિકાર કરતી ડોલ્ફિન માટે અનુકૂળ પરિસ્થિતિ સર્જાય છે.”
ગીર ફાઉન્ડેશનનાં નિયામક બી.પી.પતી (IFS) એ જણાવ્યું.
ડેડકા–મુંડેકા ટાપુ સમૂહ ડોલ્ફિનના અવરજવરના માર્ગ તરીકે ખાસ મહત્વ ધરાવતો હોવાનું જણાયું છે. ટાપુઓ વચ્ચેની વધુ ઊંડી રીફની સીમાઓ અને ભરતી-ઓટની નહેરો સાથે ડોલ્ફિનને વારંવાર આગળ વધતી જોવામાં આવી હતી. મજબૂત ભરતી પ્રવાહોથી પ્રભાવિત આ નહેરોમાં માછલીઓના સમૂહો એકત્રિત થાય છે અને તેના કારણે ડોલ્ફિન જેવા દરિયાઈ શિકારીઓ આકર્ષાય છે.
બી.પી. પતી એ વધુમાં જણાવ્યું કે, “આ અભ્યાસમાં સૌથી નોંધપાત્ર તારણોમાંનું એક એ છે કે, ડોલ્ફિન આખુ વર્ષ જોવા મળી. વિવિધ ઋતુઓ દરમિયાન તેમની સતત હાજરી સૂચવે છે કે, ડોલ્ફિનની વસ્તીનો ઓછામાં ઓછો એક હિસ્સો દક્ષિણ કચ્છના અખાતમાં સ્થાયી અથવા અર્ધ-સ્થાયી હોઈ શકે છે, માત્ર કોઈ ચોક્કસ ઋતુમાં અહીંથી પસાર થતો નથી.”
સર્વેક્ષણ દરમિયાન ડોલ્ફિનની વિવિધ પ્રકારની રસપ્રદ વર્તણૂક પણ જોવા મળી. સંશોધકોએ નોંધ્યુ કે, ડોલ્ફિન સમૂહમાં તરે છે, નિયમિત રીતે પાણીની સપાટી પર આવે છે, ભરતીના પ્રવાહ સાથે ચોક્કસ દિશામાં આગળ વધે છે અને ક્યારેક ખોરાક મેળવવા નિરાળા અંદાજમાં વર્તન કરે છે. ડોલ્ફિનનાં સમૂહનાં કદમાં પણ નોંધપાત્ર ભિન્નતા જોવા મળી હતી.એકલ-દોકલ ડોલ્ફિનથી લઈને સંશોધકોએ એક સાથે 16 ડોલ્ફિનનો સમૂહ પણ નોંધ્યો હતો. આ બાબત દરિયાકાંઠાની ડોલ્ફિન પ્રજાતિઓની સામાજિક વર્તણૂક દર્શાવે છે.
અગ્ર મુખ્ય વન સંરક્ષક (વન્યજીવ) ડૉ. જયપાલ સિંહે જણાવ્યું કે, તાજેતરનાં તારણો દક્ષિણ કચ્છનાં અખાતને એક ગતિશીલ દરિયાઈ આવાસ તરીકે રજૂ કરે છે, જ્યાં રીફ, દરિયાઇ ઘાંસનાં મેદાનો અને ભરતી-ઓટનાં વિસ્તારો પરસ્પર મળીને વિવિધ પ્રકારના દરિયાઈ જીવનને ટકાવી રાખે છે. ડોલ્ફિન માટે ભરતી-ઓટની નહેરો અને ખુલ્લા દરિયાકાંઠાના પાણી ખાસ મહત્વપૂર્ણ જણાય છે, કારણ કે તે અવરજવર માટેના માર્ગો તેમજ માછલીઓથી સમૃદ્ધ ખોરાક મેળવવાના વિસ્તારો સુધી પહોંચાડે છે.”
ગીર ફાઉન્ડેશનનાં નાયબ નિયામક અમિતકુમાર નાયક (IFS)એ જણાવ્યું હતું કે, “વિવિધ ઋતુઓ દરમિયાન અને અનેક સ્થળોએ સતત ડોલ્ફિન નોંધાતા આ અભ્યાસ ભવિષ્યના સંરક્ષણ માટે મહત્વપૂર્ણ આધારરેખા સ્થાપિત કરે છે. આ બધું ડોલ્ફિનની વસ્તીના વલણોને સમજવા અને કચ્છનો અખાત ગુજરાતના દરિયાકાંઠાની ડોલ્ફિન માટે સુરક્ષિત રહેઠાણ બની રહે તે સુનિશ્ચિત કરવા માટે અત્યંત જરૂરી રહેશે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ