
જામનગર, 03 સપ્ટેમ્બર (હિ.સ.) : જામનગરના પરંપરાગત અને હાલારના પ્રખ્યાત જન્માષ્ટમી લોકમેળાનો આજે પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતેથી ઉત્સાહભેર પ્રારંભ થયો છે. કાનૂની ગૂંચ ઉકેલાયા બાદ તમામ સુરક્ષા અને સંચાલન સંબંધી તૈયારીઓ પૂર્ણ કરીને આજે સવારે 11:30 કલાકે મેયર મોનિકા વ્યાસ, ડેપ્યુટી મેયર રાકેશ ડેર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ધીરેન મોનાણી અને મ્યુનિસિપલ કમિશ્નર દિપેશ કેડીયા સહિતના પદાધિકારીઓએ વિધિવત ઉદ્ઘાટન કર્યું હતું. ઉદ્ઘાટન બાદ નેતાઓએ રાઈડ્સમાં બેસીને મેળાની મોજ પણ માણી હતી.
આ વર્ષે મેળામાં લોકોના મનોરંજન માટે રમકડાં, ઈમિટેશન અને ઘરવપરાશની વસ્તુઓના 40થી વધુ સ્ટોલ, 12થી વધુ ખાણીપીણીના સ્ટોલ તેમજ 10 મોટી અને નાની મનોરંજક રાઈડ્સ ગોઠવવામાં આવી છે. આગામી 10 દિવસ સુધી ચાલનારા આ આયોજનમાં શહેર અને જિલ્લામાંથી મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડશે.
લોકોની સુરક્ષા અને કાયદો-વ્યવસ્થા જાળવવા માટે મેળામાં 45થી વધુ સીસીટીવી કેમેરા અને હાઈટેક નાઈટવિઝન ડ્રોન કેમેરાથી આકાશમાંથી સતત મોનિટરિંગ કરવામાં આવશે. સિટી એ પીઆઈ વિપુલસિંહ ડોડીયાના માર્ગદર્શન હેઠળ 7 પીએસઆઈ, પોલીસ અને હોમગાર્ડનો કાફલો સુરક્ષામાં તૈનાત રહેશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt