
ભાવનગર, 03 સપ્ટેમ્બર (હિ.સ.)ભાવનગર જિલ્લામાં છેલ્લા ઘણા દિવસોથી વરસાદે વિરામ લેતા ખેડૂતોની ચિંતા વધી છે. ચોમાસાની શરૂઆતમાં સારો વરસાદ પડ્યા બાદ અનેક વિસ્તારોમાં ખેડૂતોએ મગફળી, કપાસ, ડુંગળી સહિતના વિવિધ પાકોનું વાવેતર કર્યું હતું. જોકે હવે વરસાદ ખેંચાતા ખેતરોમાં ભેજ ઘટી રહ્યો છે અને પાકને પાણીની જરૂરિયાત ઊભી થઈ છે.
ખાસ કરીને મગફળીના પાકમાં હાલ ફૂલ અને દાણા ભરાવાની પ્રક્રિયા ચાલી રહી હોવાથી પૂરતા વરસાદના અભાવે ઉત્પાદન પર સીધી અસર થવાની ભીતિ ખેડૂતોમાં જોવા મળી રહી છે. કપાસના પાકને પણ સમયસર વરસાદ નહીં મળે તો છોડનો વિકાસ અટકી શકે છે અને આવનારા સમયમાં ઉત્પાદનમાં ઘટાડો થવાની શક્યતા છે. બીજી તરફ ડુંગળી સહિતના અન્ય પાકોમાં પણ જમીનમાં ભેજ જળવાઈ રહે તે જરૂરી હોવાથી વરસાદ ખેંચાતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.
ખેડૂતોના જણાવ્યા મુજબ વાવેતર સમયે વરસાદની સારી સ્થિતિને ધ્યાનમાં રાખીને બિયારણ, ખાતર, દવા અને મજૂરી પાછળ ખર્ચ કરવામાં આવ્યો હતો. હવે વરસાદ નહીં પડે તો પાકને બચાવવા માટે સિંચાઈ કરવી પડશે, જેના કારણે વધારાનો ખર્ચ પણ ભોગવવો પડશે. નાના અને સીમાંત ખેડૂતો માટે આ ખર્ચ વધુ મુશ્કેલીરૂપ બની શકે છે.
હાલ ખેડૂતો આકાશ તરફ મીટ માંડીને વરસાદની રાહ જોઈ રહ્યા છે. જો આગામી દિવસોમાં સારો વરસાદ થાય તો પાકને રાહત મળી શકે છે, પરંતુ વરસાદ વધુ ખેંચાય તો મગફળી, કપાસ અને ડુંગળી સહિતના પાકના ઉત્પાદન પર ગંભીર અસર થવાની ચિંતા વ્યક્ત થઈ રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA