




પોરબંદર, 03 સપ્ટેમ્બર (હિ.સ.)પોરબંદર મહાનગરપાલિકાના ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસ વિભાગ દ્વારા કૃષ્ણ સખા સુદામા સાંસ્કૃતિક લોકમેળા ખાતે આગ લાગવાની ઘટનાને ધ્યાનમાં રાખીને આગ બુઝાવવા, બચાવ અને રેસ્ક્યુ કામગીરીની સફળ મોકડ્રિલ યોજવામાં આવ્યું હતું. મેળા ગ્રાઉન્ડમાં ચકડોળ પાસે આગ લાગવાનો બનાવ દર્શાવવામાં આવતા, આગ લાગતાની સાથે જ વિસ્તારમાં અફરાતફરી અને ભાગદોડ જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસ સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને સમગ્ર વિસ્તારને કોર્ડન કરી જરૂરી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. આગ લાગવાની જાણ મળતા જ ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસ વિભાગની ટીમને કોલ કરવામાં આવ્યો હતો. ગણતરીના સમયમાં ફાયર વિભાગની ટીમ વોટર બ્રાઉઝર સાથે ઘટનાસ્થળે પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. આ દરમિયાન ચકડોળમાં અંદાજે 25 ફૂટની ઊંચાઈએ એક વ્યક્તિ ફસાયેલ હોવાનું દર્શાવવામાં આવ્યું હતું.
ફાયર વિભાગનો ટર્ન ટેબલ લેડર ઘટનાસ્થળે પહોંચતા રેસ્ક્યુ કામગીરી હાથ ધરવામાં આવી હતી અને ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસની ટીમે સફળતાપૂર્વક ફસાયેલા વ્યક્તિને સુરક્ષિત રીતે નીચે ઉતારી તેનો જીવ બચાવ્યો હતો. ત્યારબાદ 108 એમ્બ્યુલન્સ મારફતે તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. આ સમગ્ર મોકડ્રિલમાં ફાયર વિભાગની બે ટીમે ભાગ લીધો હતો અને આગ બુઝાવવાની તેમજ રેસ્ક્યુ કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી હતી. મોકડ્રિલ પૂર્ણ થયા બાદ ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસ વિભાગ દ્વારા સમગ્ર ઘટના પૂર્વ આયોજિત મોકડ્રિલ હોવાનું જાહેર કરવામાં આવતા મેળામાં ઉપસ્થિત લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. આ પ્રસંગે મહાનગરપાલિકાના સિટી એન્જિનિયર જયદીપસિંહ રાણા, મેડિકલ ઓફિસર ઓફ હેલ્થ ડૉ. પિયુષભાઈ વાજા, મુખ્ય આરોગ્ય અધિકારી બી.ડી. મહેતા, ફાયર ઓફિસર અભય મહેતા તેમજ પોલીસ સ્ટાફ સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ ઘટનાસ્થળે ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya