
તેલ અવીવ, નવી દિલ્હી, 03 સપ્ટેમ્બર (હિ.સ.) ઇઝરાયલના સંરક્ષણ પ્રધાન ઇઝરાયલ કાટ્ઝે જણાવ્યું હતું કે, ઇઝરાયેલ હજુ પણ પેલેસ્ટાઈનીઓને ગાઝામાંથી હટાવવા માંગે છે. આ વિસ્તારમાંથી પેલેસ્ટાઈનીઓને હટાવ્યા વિના ગાઝા સમસ્યાનો સાચો ઉકેલ નહીં આવે. ઇઝરાયેલ હજુ પણ આ મોરચે સતત કામ કરી રહ્યું છે. તેમણે કહ્યું કે, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે માત્ર તે યોજનાને રોકી છે. આ યોજનાને માનવાધિકાર કાર્યકરો વંશીય સફાઇ (કોઈ ખાસ જાતિ કે સમુદાયના લોકોને હટાવવા કે ખતમ કરવાની કાર્યવાહી) માને છે.
અલ જઝીરાના અહેવાલ મુજબ, કાટ્ઝે બુધવારે ઇઝરાયેલની ન્યૂઝ વેબસાઇટ વાય નેટની વિચારપ્રેરક પરિષદમાં ગાઝા સમસ્યા પર ખુલ્લી ચર્ચા કરી હતી. કાત્ઝે કહ્યું, ગાઝામાંથી પેલેસ્ટાઈનીઓ હટી જાય તો સમસ્યા હલ થઈ જશે. તેમણે કહ્યું કે, ટ્રમ્પ તેમના પહેલા કાર્યકાળની શરૂઆતમાં ઇઝરાયેલના આ વિચારને સમર્થન આપી ચૂક્યા છે. ટ્રમ્પે તો એકવાર અહીં સુધી કહ્યું હતું કે, એકવાર પેલેસ્ટાઈનીઓને હટાવી દેવામાં આવ્યા પછી અમેરિકા આ વિસ્તાર પર કબજો કરી લેશે અને તે જમીનનો માલિક બની જશે.
કાટ્ઝે કહ્યું કે, ઇઝરાયેલ ગાઝા પર દરેક રીતે કબજો કરવા તૈયાર છે, પરંતુ ઇજિપ્ત પેલેસ્ટાઈની શરણાર્થીઓને સ્વીકારવાનો ઇનકાર કરી રહ્યું છે.
તેમણે કહ્યું કે, વિસ્થાપિત પેલેસ્ટાઈનીઓને સ્વીકારનારા અન્ય દેશોને અમેરિકી સમર્થનની જરૂર છે. તેમણે આ વાત પર ભાર મૂક્યો કે, વોશિંગ્ટને આ પ્રસ્તાવને સંપૂર્ણપણે છોડ્યો નથી.
તેમણે કહ્યું, હાલમાં, ટ્રમ્પે તેને રદ કર્યો નથી. તેમણે તેને સ્થગિત કર્યો છે. કાટ્ઝે કહ્યું કે, આ અંગે તેમની સાથે સતત ચર્ચા થઈ રહી છે. કાટ્ઝે કહ્યું કે, આ બધા માટે સારું રહેશે. આ અભિયાનમાં અમેરિકાની જરૂર પડશે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા ત્રણ વર્ષમાં અમેરિકાએ ઇઝરાયેલને લગભગ 25 અબજ ડોલરની સૈન્ય સહાય આપી છે. તેણે આંતરરાષ્ટ્રીય મંચો પર ઇઝરાયેલનો બચાવ કર્યો છે. આમાં ગાઝામાં થયેલા અત્યાચારોની તપાસ કરી રહેલા ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટના અધિકારીઓ પર પ્રતિબંધ મૂકવાનો પણ સમાવેશ થાય છે.
હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ