
સોમનાથ 3 સપ્ટેમ્બર (હિ.સ.) ર સોમનાથ જિલ્લાના તાલુકા/જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક એવોર્ડ-2026 અંતર્ગત સુત્રાપાડા પે સેન્ટર શાળા નં. 1 ખાતે ફરજ બજાવતા શિક્ષક ઝાલા દિલીપસિંહ અરજણભાઈની તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી થતાં સુત્રાપાડા તાલુકાના સમગ્ર શિક્ષક પરિવારમાં આનંદની લાગણી પ્રસરી છે.
શિક્ષણ ક્ષેત્રે પોતાની ફરજ પ્રત્યેની નિષ્ઠા, સમર્પણ, સેવાભાવ તેમજ વિદ્યાર્થીઓના શૈક્ષણિક અને સર્વાંગી વિકાસ માટે કરવામાં આવેલી નોંધપાત્ર કામગીરીને ધ્યાને લઈ શિક્ષક દિલીપસિંહ ઝાલાની આ પ્રતિષ્ઠિત એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી છે. તેમની આ સિદ્ધિ માત્ર તેમની વ્યક્તિગત ઉપલબ્ધિ નહીં પરંતુ પે સેન્ટર શાળા નં. 1, શાળા પરિવાર અને સમગ્ર સુત્રાપાડા તાલુકા માટે ગૌરવની બાબત બની છે.
શિક્ષક દિલીપસિંહ ઝાલાએ શિક્ષણકાર્યને માત્ર નોકરી તરીકે નહીં પરંતુ સમાજઘડતરનું માધ્યમ માની વિદ્યાર્થીઓના ઘડતર માટે સતત પ્રયત્નો કર્યા છે. વિદ્યાર્થીઓમાં શિક્ષણ પ્રત્યે રસ વધે, તેમની પ્રતિભાને યોગ્ય દિશા મળે અને તેઓ અભ્યાસ સાથે જીવનના મૂલ્યો પણ આત્મસાત કરે તે માટે તેઓ સતત પ્રયત્નશીલ રહ્યા છે.
શાળામાં શિક્ષણની ગુણવત્તા સુધારવા, વિદ્યાર્થીઓની વિવિધ શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં ભાગીદારી વધારવા તેમજ બાળકોના સર્વાંગી વિકાસ માટે કરવામાં આવતી વિવિધ પ્રવૃત્તિઓમાં પણ તેમનું યોગદાન મહત્વપૂર્ણ રહ્યું છે. શિક્ષક તરીકેની જવાબદારી સાથે વિદ્યાર્થીઓ અને વાલીઓ સાથે સતત સંવાદ જાળવી શિક્ષણનું સકારાત્મક વાતાવરણ ઊભું કરવામાં તેમણે મહત્વની ભૂમિકા ભજવી છે.
શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક માટેની તાલુકા કક્ષાની પસંદગીમાં સ્થાન મેળવવું એ શિક્ષકની વર્ષોની મહેનત, કાર્યનિષ્ઠા અને શિક્ષણ પ્રત્યેના સમર્પણની નોંધપાત્ર કદર સમાન છે. દિલીપસિંહ ઝાલાની પસંદગીથી શાળાના વિદ્યાર્થીઓ તથા શિક્ષકગણમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
આ પ્રસંગે સુત્રાપાડા શિક્ષક પરિવાર તેમજ પે સેન્ટર શાળા નં. 1ના આચાર્ય શિક્ષકગણ, વિદ્યાર્થીઓ અને વાલીઓ દ્વારા શિક્ષક દિલીપસિંહ અરજણભાઈ ઝાલાને હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. સાથે જ તેઓ ભવિષ્યમાં પણ શિક્ષણ ક્ષેત્રે વધુ ઉત્કૃષ્ટ કામગીરી કરી વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્યના ઘડતરમાં યોગદાન આપે અને સુત્રાપાડા તાલુકાનું નામ વધુ ગૌરવભેર રોશન કરે તેવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
દિલીપસિંહ ઝાલાની આ સિદ્ધિ સુત્રાપાડાના શિક્ષણ જગત માટે પ્રેરણારૂપ બની છે.
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ