
નવી દિલ્હી, 03 સપ્ટેમ્બર (હિ.સ.) ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેનો મુક્ત વેપાર કરાર (એફટીએ) આવતા મહિનાથી લાગુ થઈ જશે. બંને દેશો વચ્ચે મુક્ત વેપાર કરાર પર 27 એપ્રિલના રોજ હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
અધિકારી સૂત્રોએ ગુરુવારે આપેલી માહિતીમાં જણાવ્યું છે કે, ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેનો એફટીએ આવતા મહિનાથી લાગુ પડશે. આ કરાર આવતા મહિને બંને દેશોની પરસ્પર સંમતિથી નક્કી કરેલી તારીખે લાગુ પડશે.
અધિકારીએ જણાવ્યું કે, દ્વિપક્ષીય વેપારને પ્રોત્સાહન આપવા અને રોકાણને પ્રોત્સાહિત કરવા માટે બંને દેશોએ 27 એપ્રિલના રોજ વસ્તુઓ અને સેવાઓના મુક્ત વેપાર કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. એફટીએ હેઠળ ન્યુઝીલેન્ડમાં ભારતના 100 ટકા નિકાસને શુલ્ક-મુક્ત પહોંચ મળશે.
ભારત અને ન્યુઝીલેન્ડે માલસામાન અને સેવાઓના પરસ્પર વેપારને વધારવા અને રોકાણને પ્રોત્સાહન આપવા માટે 27 એપ્રિલના રોજ નવી દિલ્હી સ્થિત ભારત મંડપમમાં એફટીએ પર હસ્તાક્ષર કર્યા હતા. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલ અને ન્યુઝીલેન્ડના વેપાર અને રોકાણ મંત્રી ટોડ મેકલેએ ન્યુઝીલેન્ડના વડાપ્રધાન ક્રિસ્ટોફર લક્સનની હાજરીમાં આ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા.
આ પહેલાં ન્યુઝીલેન્ડમાં સિરામિક, કાર્પેટ, વાહન અને તેના સ્પેરપાર્ટ્સ સહિત ભારતના મુખ્ય નિકાસ ઉત્પાદનો પર મહત્તમ 10 ટકા સુધી શુલ્ક લાગતો હતો. ન્યુઝીલેન્ડે 15 વર્ષમાં 20 અબજ અમેરિકી ડોલરનું પ્રત્યક્ષ વિદેશી રોકાણ (એફડીઆઈ) કરવાની પ્રતિબદ્ધતા પણ વ્યક્ત કરી છે.
હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / અનૂપ શર્મા
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ