વૈશ્વિક અવરોધો છતાં ભારતનો 7.8 ટકાનો વિકાસ દર શાનદાર: સીતારમણ
નવી દિલ્હી, 03 સપ્ટેમ્બર (હિ.સ.). કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ બાબતોના મંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું કે, દુનિયાભરમાં આવેલી મુશ્કેલીઓ છતાં ભારતે નાણાકીય વર્ષ 2026-27ના (એપ્રિલ-જૂન) પ્રથમ ત્રિમાસિક ગાળામાં 7.8 ટકાનો શાનદાર વિકાસ દર નોંધાવ્યો છે
એક ઉચ્ચ-સ્તરીય વ્યાવસાયિક ગોળમેજી બેઠકમાં નાણામંત્રી સીતારમણ


નવી દિલ્હી, 03 સપ્ટેમ્બર (હિ.સ.). કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ બાબતોના મંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું કે, દુનિયાભરમાં આવેલી મુશ્કેલીઓ છતાં ભારતે નાણાકીય વર્ષ 2026-27ના (એપ્રિલ-જૂન) પ્રથમ ત્રિમાસિક ગાળામાં 7.8 ટકાનો શાનદાર વિકાસ દર નોંધાવ્યો છે. આ સાથે, તમામ પડકારો છતાં, તે વિશ્વની સૌથી ઝડપથી વિકસતી મોટી અર્થવ્યવસ્થા બની રહી છે.

નાણાં મંત્રાલયે ગુરુવારે ‘એક્સ’ પર જારી કરેલી પોસ્ટમાં જણાવ્યું કે, કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ બાબતોના મંત્રી નિર્મલા સીતારમણે બુધવારે ન્યૂયોર્કમાં બેંક ઓફ અમેરિકા સાથે મળીને ભારતના મહાવાણિજ્ય દૂતાવાસ દ્વારા આયોજિત એક ઉચ્ચ-સ્તરીય વ્યાવસાયિક ગોળમેજી બેઠકમાં રોકાણકારોને સંબોધિત કરતા આ વાત કહી.

નિર્મલા સીતારમણે રોકાણકારોને કહ્યું, દુનિયાભરમાં આવેલી મુશ્કેલીઓ અને તમામ પડકારો છતાં ભારત વિશ્વની સૌથી ઝડપથી વિકસતી મોટી અર્થવ્યવસ્થા બની રહ્યું છે. ચાલુ નાણાકીય વર્ષ 2026-27ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ભારતે 7.8 ટકાનો શાનદાર વિકાસ દર નોંધાવ્યો છે.

સીતારમણે જણાવ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ સુધારાઓ પર ભાર મૂકતા ભારતે ઘણા સુધારાઓ (જેમ કે ઇન્સોલ્વન્સી એન્ડ બેન્કરપ્સી કોડ) દ્વારા નિયમનકારી નિશ્ચિતતા પણ પ્રદાન કરી છે. આવા સુધારાઓથી નિયમોનું પાલન કરવું સરળ બન્યું છે અને કાગળનું કામ ઓછું થયું છે. તેમણે જણાવ્યું કે એક દાયકાથી વધુ સમય પહેલા સત્તામાં આવ્યા પછી ભારત સરકારનું આ મુખ્ય ધ્યાન રહ્યું છે.

નાણાંમંત્રીએ જણાવ્યું કે, સરકારે જે મુખ્ય ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે, તેમાં શામેલ છે: કેપિટલ એસેટ્સનું નિર્માણ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ (ખાસ કરીને એવિએશન) દ્વારા ઉદ્યોગને સતત ટેકો આપવો; રોકાણ માટે અનુકૂળ વાતાવરણ બનાવવું, એઆઈ અને ડેટા સેન્ટર્સના વિકાસને પ્રોત્સાહન આપવું; ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર્સને ટેકો આપવો, એમએસએમઈને ક્રેડિટની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવી અને બેંકોના નોન-પરફોર્મિંગ એસેટ્સ (એનપીએ) ઘટાડવા. તેમણે કહ્યું કે આ ઉપાયોથી બેંકો અને ઉદ્યોગને વિકાસ કરવા, વૃદ્ધિ પામવા અને મજબૂત બનવા માટે વધુ સારું બિઝનેસ વાતાવરણ બનાવવામાં મદદ મળી છે.

સીતારમણે જણાવ્યું કે, કોવિડ-19 આવ્યા પછી વૈશ્વિક અર્થતંત્ર સામે સતત આવી રહેલા પડકારો છતાં ભારત છેલ્લા ઘણા વર્ષોથી ફિસ્કલ પ્રુડન્સ (નાણાકીય સમજદારી) અને ફિસ્કલ ડિસિપ્લિન (નાણાકીય અનુશાસન)ના માર્ગે ચાલવા માટે સતત પ્રતિબદ્ધ રહ્યું છે.

કેન્દ્રીય નાણાંમંત્રીએ ભારતમાં રોકાણના વાતાવરણ વિશે વાત કરી, જેમાં ઘણો સુધારો થયો છે. કેન્દ્ર અને રાજ્ય સરકારો પોતપોતાના ક્ષેત્રોમાં રોકાણ આકર્ષિત કરવા અને તેને સરળ બનાવવા માટે વધુ રસ અને સ્પર્ધા દર્શાવી રહી છે. તેમણે કહ્યું કે, આવા પ્રયાસો 'વિકસિત ભારત 2047'ના વિઝનને હાંસલ કરવાની મોટી રાષ્ટ્રીય ઝુંબેશનો એક ભાગ છે.

અમેરિકામાં ભારતના રાજદૂત વિનય મોહન ક્વાત્રાએ સ્વાગત પ્રવચનમાં જણાવ્યું કે, 31 ઓગસ્ટના રોજ જારી કરાયેલા પ્રથમ ત્રિમાસિક ગાળાના જીડીપી આંકડા ભારતીય અર્થતંત્રની મજબૂતી દર્શાવે છે. તેમણે કહ્યું કે બંને દેશો વચ્ચે વેપાર અને રોકાણના મજબૂત સંબંધો બનાવીને ભારતની ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થાનો લાભ બંને દેશો ઉઠાવી શકે છે. આ પહેલા ન્યૂયોર્કના પેન સ્ટેશન પર પહોંચતા અમેરિકામાં ભારતના રાજદૂત વી. એમ. ક્વાત્રા અને કાર્યકારી મહાવાણિજ્ય દૂત વિશાલ હર્ષે સીતારમણનું સ્વાગત કર્યું.

હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande