
જામનગર, 03 સપ્ટેમ્બર (હિ.સ.) જન્માષ્ટમીના પવિત્ર તહેવાર દરમિયાન જામનગર જિલ્લાના જોડિયા તાલુકામાં એક લોહિયાળ કૌટુંબિક હિંસાનો બનાવ સામે આવ્યો છે. જોડિયાના ભાદરા પાટીયા પાસે સાતમ-આઠમના તહેવાર નિમિત્તે બહેન અને ભાણેજોને વધુ બે-ત્રણ દિવસ પીયરમાં રોકાવા દેવા અંગે સમજાવવા ગયેલા સાળા પર તેના બનેવી અને તેના ભાઈએ તીક્ષ્ણ હથિયારો વડે ખૂની હુમલો કરતા સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી છે.
ઘટનાની વિગત અનુસાર, ભાદરા ગામના શંકરટેકરી વિસ્તારમાં રહેતા ૪૦ વર્ષીય રાજેશ ખાનાભાઈ પરમારે નોંધાવેલી પોલીસ ફરિયાદ મુજબ, સાતમ-આઠમના તહેવાર નિમિત્તે તેમની બહેન કાંતાબેન અને ભાણેજોને બનેવી કાળુ માવજીભાઈ રાણવા ઘરે મૂકી ગયા હતા. તે જ રાત્રે કાળુભાઈ ઈકો કાર લઈને કાંતાબેન અને બાળકોને પરત લઈ જવા ભાદરા પાટિયા સર્કલ પાસે આવ્યા હતા.
આ સમયે રાજેશભાઈએ તહેવારનો માહોલ હોવાથી બહેન-ભાણેજોને હજુ બે-ત્રણ દિવસ રોકાવા દેવા માટે બનેવીને વિનંતી કરી હતી. આ બાબતે ઉશ્કેરાઈ જઈને કાળુભાઈએ ગાળો આપી ઈકો કારમાંથી લોખંડની ગુપ્તી કાઢીને રાજેશભાઈ પર જાનલેવા હુમલો કર્યો હતો. બચાવ કરવા જતાં રાજેશભાઈને આંગળીઓ અને ડાબા પડખામાં ગુપ્તીના ગંભીર ઘા વાગ્યા હતા. એટલામાં કાળુભાઈનો ભાઈ જગદીશ પણ લાકડાનો ધોકો લઈને આવી પહોંચ્યો હતો અને રાજેશભાઈના માથામાં ફટકારી દીધો હતો.
કાંતાબેન અને બાળકોની રાડારાડ સાંભળી આસપાસના લોકો ભેગા થઈ જતાં બંને હુમલાખોર ભાઈઓ કારમાં નાસી છૂટ્યા હતા. ઈજાગ્રસ્ત રાજેશભાઈને સારવાર અર્થે જોડિયા સરકારી હોસ્પિટલ ખસેડાયા બાદ વધુ ગંભીર ઈજાઓને કારણે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે.
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt