
કચ્છ, 03 સપ્ટેમ્બર (હિ.સ.) : અંજાર શહેરમાં ગેરકાયદેસર જુગારની પ્રવૃત્તિઓ સામે પોલીસે વધુ એક અસરકારક કાર્યવાહી હાથ ધરી છે. અંજાર પોલીસની ટીમે નવાનગર જીઆઈડીસી પાછળ રાતા તળાવ નજીક બાવળની ઝાડીઓમાં ખુલ્લી જગ્યાએ ધાણીપાસા વડે પૈસાની હાર-જીતનો જુગાર રમતા અને રમાડતા 10 શખ્સોને ઝડપી પાડ્યા છે. પોલીસની આ કાર્યવાહીથી જુગારની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા તત્વોમાં ફફડાટ ફેલાયો છે.
દરમિયાન પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે મળેલી ચોક્કસ બાતમીના આધારે નવાનગર જીઆઈડીસી પાછળ આવેલા રાતા તળાવ નજીક બાવળની ઝાડીઓમાં કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસ ટીમે સ્થળ પર દરોડો પાડતા કેટલાક શખ્સો ધાણીપાસા વડે રૂપિયા લગાવી હાર-જીતનો જુગાર રમતા હોવાનું સામે આવ્યું હતું. પોલીસે તાત્કાલિક તમામ શખ્સોને ઝડપી લીધા હતા અને સ્થળ પરથી રોકડ રકમ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
આ કાર્યવાહીમાં વેરસિંગ બાબાભાઈ દેવીપૂજક, હીરા પ્રેમજીભાઈ દેવીપૂજક, હીરા ડાયાભાઈ દેવીપૂજક, દિનેશ રમેશભાઈ દેવીપૂજક, ગોવિંદ રતીલાલ સામત, ગોપાલ બાબુભાઈ દેવીપૂજક, કિશોર હમીરભાઈ દેવીપૂજક, હસમુખ મહેશચંદ્ર પંડયા, હિરા રમેશભાઈ દેવીપૂજક અને જેઠા ભુરાભાઈ દેવીપૂજકની ધરપકડ કરવામાં આવી છે.
પોલીસે સ્થળ પરથી કુલ રૂ.29,300નો મુદ્દામાલ કબજે કર્યો હોવાનું જણાવાયું છે. આ મામલે અંજાર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી જુગારધારા કલમ 12 મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સમગ્ર કાર્યવાહી પોલીસ ઇન્સ્પેક્ટર એચ.એ. જાડેજા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ.જી. વાળા તથા અંજાર પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar