

કચ્છ, 03 સપ્ટેમ્બર (હિ.સ.) : પશ્ચિમ કચ્છમાં ચોરીના બનાવો સામે કાર્યવાહી કરી રહેલી લોકલ ક્રાઈમ બ્રાન્ચે કોડાય પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા વણશોધાયેલા કોપર કેબલ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે. એલસીબીએ આરોપીઓ પાસેથી આશરે 60 કિલો વજનનો કોપર વાયર અને ચોરીમાં ઉપયોગમાં લેવાયેલું હોવાની શંકા ધરાવતું વાહન સહિત કુલ રૂ.60 હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ કાર્યવાહીથી લાંબા સમયથી વણઉકેલ રહેલા કેબલ ચોરીના બનાવમાં મહત્વની કડી હાથ લાગી છે.
પોલીસના જણાવ્યા મુજબ, પેટ્રોલિંગ દરમિયાન પોલીસ કર્મચારીઓ શક્તિસિંહ ગઢવી અને મૂળરાજભાઈ ગઢવીને બાતમી મળી હતી કે, ભુતેશ્વર વિસ્તારમાં અબ્બાસ અલીમામદ કકલના મકાનના આંગણામાં કેટલાક લોકો કોપરના વાયરનો જથ્થો લઈને બેઠા છે અને તેને સગેવગે કરવાની તૈયારીમાં છે. બાતમીના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી સ્થળ પર તપાસ હાથ ધરતા ત્રણ શખ્સો મળી આવ્યા હતા.
પોલીસે પૂછપરછ કરતા અબ્બાસ અલીમામદ કકલ, હનીફ ઉર્ફે બોચો કાસમ કુંભાર અને ભાવેશ હીરાલાલ સંગારે આશરે સાતથી આઠ મહિના અગાઉ અન્ય ત્રણ સાગરીતો સાથે મળીને કોપર વાયર ચોરી કર્યાની કબૂલાત કરી હોવાનું પોલીસ દ્વારા જણાવાયું છે. વધુ તપાસમાં આ ચોરી અંગે કોડાય પોલીસ સ્ટેશનમાં બી.એન.એસ.ની કલમ 303(2) હેઠળ ગુનો નોંધાયેલો હોવાનું સામે આવ્યું હતું.
પોલીસે આરોપીઓ પાસેથી મળેલા કોપર વાયરને શંકાસ્પદ મિલકત તરીકે કબજે કરી ત્રણેયની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે અશરફ સુલેમાન કુંભાર ઉર્ફે વાગડીયો, સાહિલ ઉર્ફે ગઢો શેખ અને આસીફ શેખ નામના અન્ય ત્રણ શખ્સો હાલ પોલીસ પકડથી દૂર છે અને તેમની શોધખોળ હાથ ધરવામાં આવી છે.સમગ્ર કાર્યવાહી પીઆઈ એ.એમ. મકવાણા, પીએસઆઈ જે.બી. જાદવ, પીએસઆઈ એમ.એચ. શીણોલ તથા એલસીબીના પોલીસ કર્મચારીઓની ટીમે પાર પાડી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar