
કચ્છ, 03 સપ્ટેમ્બર (હિ.સ.) : ગાંધીધામ શહેરમાં પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ સામે પોલીસ દ્વારા ચાલી રહેલી કાર્યવાહી વચ્ચે ગાંધીધામ એ-ડિવિઝન પોલીસે સોનલનગર-ભારતનગર વિસ્તારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બિયરનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે સ્થળ પરથી રૂ.43,152ની કિંમતનો દારૂ-બિયરનો મુદ્દામાલ કબજે કરી એક શખ્સ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ આ દરમિયાન સર્વેલન્સ ટીમના પોલીસ કર્મચારીઓ ગાંધીધામ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા. તે સમયે પોલીસને ખાનગી બાતમી મળી હતી કે સોનલનગરના ભારતનગર વિસ્તારમાં એક વ્યક્તિ પાસે ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો સંગ્રહિત કરવામાં આવ્યો છે. બાતમીના આધારે પોલીસે સ્થળ પર તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન શંકાસ્પદ રીતે રાખવામાં આવેલ દારૂનો જથ્થો મળી આવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી હતી.
પોલીસે આ કાર્યવાહી દરમિયાન વિમલ મનોહરભાઈ મકવાણા, રહે. મકાન નંબર 112, સોનલનગર, ભારતનગર, ગાંધીધામને ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી અલગ-અલગ બ્રાન્ડની ભારતીય બનાવટની વિદેશી દારૂની 180 એમ.એલ.ની કંપની શીલબંધ ક્વાટરની કુલ 300 બોટલો મળી આવી હતી, જેની કિંમત રૂ.42,000 આંકવામાં આવી છે. ઉપરાંત 500 એમ.એલ.ના કંપની શીલબંધ બિયરના 8 ટીન પણ મળી આવ્યા હતા, જેની કિંમત રૂ.1,152 છે. આરોપી વિમલ મનોહરભાઈ મકવાણા હાજર મળી આવેલ ન હોઈ તેને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.
આમ, પોલીસે કુલ રૂ.43,152ની કિંમતનો મુદ્દામાલ કબજે કરી આરોપી વિમલ મકવાણા સામે પ્રોહિબિશન અંગેની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર કાર્યવાહી ગાંધીધામ એ-ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ.જે. રાઠોડના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી. પોલીસની આ કાર્યવાહીથી ગેરકાયદેસર દારૂના ધંધા સાથે સંકળાયેલા તત્વોમાં ફફડાટ ફેલાયો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar