
મહેસાણા, 03 સપ્ટેમ્બર, 2026 (હિ.સ.) મહેસાણા જિલ્લામાં વરસાદ ખેંચાતા ઉભા ખરીફ પાકને બચાવવા માટે ખેતીવાડી વિભાગે ખેડૂતોને જરૂરી તકેદારી રાખવા અપીલ કરી છે. જિલ્લામાં અત્યાર સુધી 2,57,590 હેક્ટર વિસ્તારમાં ખરીફ પાકનું વાવેતર થયું છે, જ્યારે સરેરાશ 460 મી.મી. એટલે કે 62 ટકા વરસાદ નોંધાયો છે. વરસાદની અનિયમિતતાને પગલે જમીનમાં ભેજ જાળવી રાખવા અને પાકને કટોકટીના તબક્કે પાણી આપવા ખેડૂતોને સૂચના અપાઈ છે.
ખેતી વિભાગે ખેડૂતોને ખેતરમાં આંતરખેડ કરી જમીનની ભેજ જાળવવા, સૂકું ઘાસ, પાકના અવશેષો કે અન્ય કાર્બનિક પદાર્થોથી મલ્ચિંગ કરવા તેમજ ખેતરને નિંદામણમુક્ત રાખવા જણાવ્યું છે. પાકની સંખ્યા વધુ હોય તો નબળા છોડ દૂર કરવા અને ભેજની વધુ ખેંચ હોય ત્યારે પારવણી કરવાની પણ સલાહ આપવામાં આવી છે.
મગફળી, બીટી કપાસ સહિતના પાકમાં કટોકટીની અવસ્થાએ પૂરક પિયત આપવું જરૂરી છે. પાણીની અછત હોય ત્યારે ધોરિયા પદ્ધતિને બદલે ટપક સિંચાઈ અથવા સ્પ્રિંકલર પદ્ધતિ અપનાવવાથી 40થી 50 ટકા પાણીની બચત થઈ શકે છે. જમીનમાં ભેજ ઓછો હોય ત્યારે વધુ રાસાયણિક ખાતર આપવાનું ટાળવા અને જરૂરિયાત મુજબ જ ખાતરનો ઉપયોગ કરવા જણાવાયું છે.
વરસાદ ખેંચાતા થ્રિપ્સ અને એફિડ્સ જેવી જીવાતોનો ઉપદ્રવ વધી શકે હોવાથી પાકનું નિયમિત નિરીક્ષણ કરી નિયંત્રણના પગલાં લેવા પણ ખેતી વિભાગે સૂચના આપી છે.
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR