મહેસાણા જિલ્લાના ખેડૂતો માટે રાહત: બાગાયત યોજનાઓની અરજીની મુદત 17 સપ્ટેમ્બર સુધી લંબાવાઈ
મહેસાણા, 3 સપ્ટેમ્બર, 2026 (હિ.સ.) : મહેસાણા જિલ્લાના બાગાયત ક્ષેત્રના ખેડૂતો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. બાગાયત વિભાગની વિવિધ સહાયલક્ષી યોજનાઓમાં ઓનલાઇન અરજી કરવાની મુદત વધારીને હવે 17 સપ્ટેમ્બર 2026 સુધી કરવામાં આવી છે. અગાઉ આઈ-ખેડૂત પોર્ટ
મહેસાણા જિલ્લાના ખેડૂતો માટે રાહત: બાગાયત યોજનાઓની અરજીની મુદત 17 સપ્ટેમ્બર સુધી લંબાવાઈ


મહેસાણા, 3 સપ્ટેમ્બર, 2026 (હિ.સ.) : મહેસાણા જિલ્લાના બાગાયત ક્ષેત્રના ખેડૂતો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. બાગાયત વિભાગની વિવિધ સહાયલક્ષી યોજનાઓમાં ઓનલાઇન અરજી કરવાની મુદત વધારીને હવે 17 સપ્ટેમ્બર 2026 સુધી કરવામાં આવી છે. અગાઉ આઈ-ખેડૂત પોર્ટલ 2.0 પર અરજી કરવાની અંતિમ તારીખ 15 ઓગસ્ટ હતી. ખેડૂતોને યોજનાઓનો વધુમાં વધુ લાભ મળી રહે તે હેતુથી પોર્ટલ ફરી કાર્યરત કરવામાં આવ્યું છે.

આ મુદત દરમિયાન ખેડૂતો ફળપાકોમાં ફિલ્ડ કવર અને બહુસ્તરીય ખેતી પદ્ધતિ સહિતની યોજનાઓ માટે અરજી કરી શકશે. ફિલ્ડ કવર યોજના હેઠળ એક હેક્ટર માટે અંદાજિત 5 લાખ રૂપિયાના યુનિટ કોસ્ટના 40 ટકા અથવા મહત્તમ 2 લાખ રૂપિયા સુધીની સહાય મળવાપાત્ર છે. આ માટે 0.20થી 1 હેક્ટર સુધીના વિસ્તારમાં માળખું તૈયાર કરવાનું રહેશે.

બહુસ્તરીય ખેતી યોજના હેઠળ પ્રતિ હેક્ટર 10,000 રૂપિયા સુધીની ઇનપુટ અને લેબર ખર્ચની સહાય આપવામાં આવશે. આ માટે હેક્ટર દીઠ 500થી 2500 રોપા અથવા કલમોનું વાવેતર કરવાનું રહેશે.

યોજનાનો લાભ લેવા ખેડૂતોને આઈ-ખેડૂત પોર્ટલ 2.0 પર આધાર ઓથેન્ટિકેશન સાથે ઓનલાઇન અરજી કરવાની રહેશે. અરજી બાદ જરૂરી દસ્તાવેજો મહેસાણા જિલ્લા સેવા સદન ખાતે નાયબ બાગાયત નિયામકની કચેરીમાં જમા કરાવવાના રહેશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande