
મહેસાણા, 03 સપ્ટેમ્બર, 2026 (હિ.સ.) : મહેસાણા જિલ્લામાં ખાદ્યપદાર્થોની ગુણવત્તા અને સ્વચ્છતા જાળવવા માટે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી રહી છે. ઓગસ્ટ 2026 દરમિયાન પાલોદર બાયપાસ હાઈવે પર આવેલી માધવ રેસ્ટોરન્ટ અને માલગુડી ફૂડ ઈનમાં ફૂડ વિભાગે આકસ્મિક તપાસ કરી હતી. તપાસ દરમિયાન બંને પેઢીઓમાં ખાદ્યપદાર્થોને પીરસવા અને પેક કરવા માટે ન્યૂઝ પેપરનો ઉપયોગ થતો હોવાનું સામે આવ્યું હતું.
ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટના શિડ્યુલ-4ના નિયમો મુજબ ખાદ્યપદાર્થોના પેકિંગ કે રેપિંગ માટે ન્યૂઝ પેપરનો ઉપયોગ કરી શકાય નહીં. નિયમોના ભંગ બદલ કલમ-58 હેઠળ 2 લાખ રૂપિયા સુધીના દંડની જોગવાઈ છે. આ ઉપરાંત બંને પેઢીઓ લાયસન્સ વગર વ્યવસાય કરતી હોવાનું પણ તપાસમાં જણાતા કલમ-31 હેઠળ એડજ્યુડિકેટિંગ કેસ દાખલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ફૂડ વિભાગના જણાવ્યા મુજબ ન્યૂઝ પેપરની શાહીમાં રહેલા મિનરલ ઓઈલ, ડાયઝ અને અન્ય રસાયણો ખાદ્યપદાર્થના સંપર્કમાં આવી શકે છે. ખાસ કરીને ગરમ ખોરાક સાથે ન્યૂઝ પેપરના સીધા સંપર્કથી હાનિકારક તત્ત્વો ખોરાકમાં ભળવાની શક્યતા રહે છે.
તંત્રએ તમામ ફૂડ બિઝનેસ ઓપરેટરોને ન્યૂઝ પેપરનો ઉપયોગ બંધ કરી ફૂડ ગ્રેડ પેપર અથવા કન્ટેનરનો ઉપયોગ કરવા સૂચના આપી છે. લાયસન્સ વગર ધંધો કરવા બદલ કલમ-63 હેઠળ 10 લાખ રૂપિયા સુધીના દંડની જોગવાઈ હોવાનું પણ જણાવાયું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR